રાજ્યની તમામ APMCને ડિજિટલાઇજેશન કરવા ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન
Live TV
-
ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતમાં કુલ 224 કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMC કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઉત્તર ઝોનના 6 જિલ્લા, મધ્ય ઝોનના 10, દક્ષિણ ઝોનના 5 તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના 12 જિલ્લામાં eNAM અને AGMARK જેવા વિષયો પર સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કુલ 144 જેટલા માર્કેટિંગ કમિટીના સચિવો સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ગત તા. 19 જૂન, 2024 ના રોજ વર્ષ 2025ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહની પ્રેરણાથી આ વર્ષે દેશભરમાં “કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના લાખો ખેડૂતો, પશુપાલકો, માછીમારો, સહકારી મંડળીઓ તેમજ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. રાજ્યની તમામ APMCમાં 100 ટકા ડિજિટલાઇજેશન માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ઝોનવાઇઝ APMC અમદાવાદ, ઊંઝા, રાજકોટ અને સુરત ખાતે સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમમાં ‘નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ’-eNAMના અમલની સમીક્ષા, બજાર ભાવ પારદર્શિતા માટે ‘એગ્રીકલ્ચર માર્કેટિંગ’-AGMARK ડેટા એન્ટ્રીનું મહત્વ, કૃષિ વેપારમાં ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહન, e-APMC પોર્ટલના વિકાસ વિશે ચર્ચા, Gate Entry, e-Trade અને e-Payment, ખેડૂત અને માર્કેટ ભાગીદારો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
