Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાવરકુંડલા તાલુકાના બગોયા ગામની મુલાકાતે,પ્રકૃતિ- પર્યાવરણના જતનનો સંદેશ આપતા "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત બગોયા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું,આચાર્ય દેવવ્રતજીએ સાવરકુંડલાના બગોયા મુકામે અનુસૂચિત જાતિના પરિવારનું સ્નેહસભર આતિથ્ય માણ્યું, સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યુ

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. તેમણે સાવરકુંડલા તાલુકાના બગોયા ગામની મુલાકાત દરમિયાન "એક પેડ માં કે નામ" અંતર્ગત પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવાની સાથે ગામના ચોક- ચોરાહેથી ગ્રામજનોને સહજ રીતે સંબોધન કર્યું હતું.
     
    રાજ્યપાલએ બગોયા ગામના મુખ્ય ચોક ખાતેથી ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્યનું કામ છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકભર્યા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસરો થઈ રહી છે. આપણે ઝેરમુકત કૃષિ અપનાવવી જરુરી બની છે. કેન્સર, ડાયાબિટીસ વગેરે બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. યુરિયા, ડી.એ.પી ખાતરનો ખેતીમાં વપરાશ વધતા પર્યાવરણ પર ગંભીર અસરો થઈ રહી છે. આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર વિશ્વ માટે ખતરો બની છે. 
     
    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી વાતાવરણ પણ દૂષિત થઈ રહ્યું છે, યુરિયામાં નાઇટ્રોજન હોય છે, જે હવાના ઓક્સિજન સાથે મળીને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક એવો નાઈટ્રસ ઓક્સાઇડ ગેસ બનાવે છે. જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક ગણાતા કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ ૩૧૨ ગણો નુકસાનરૂપ છે.તેમણે ખાસ આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ધરતી બિનઉપજાવ બની રહી છે, પર્યાવરણીય સમસ્યાઓ વકરી રહી છે, ત્યારે પ્રાકૃતિક કૃષિથી જ લોકોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ થઈ શકશે. 

    આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને  પોતાના ઘરની સાથે ઘરની આસપાસનો વિસ્તારની પણ સાફ સફાઈ નિયમિત રીતે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા થકી સમ્માન વધે છે. ઉપરાંત ગ્રામજનોને વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેર કરવા માટે પ્રેરિત કર્યા હતા. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ ગણાવી હતી. રાજ્યપાલબગોયા પ્રાથમિક શાળાની મુલાકાત કરીને સુવિધા અને વ્યવસ્થાઓથી વાકેફ થયા હતા. તેમજ બાળકો અને શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. આ તકે સર્વે મહાનુભાવો "સ્વચ્છતા અભિયાન" માં સહભાગી બનીને લોકોને "સ્વચ્છતા ત્યાં પ્રભુતા" નો સંદેશ આપ્યો હતો. વધુમાં રાજ્યપાલશ્રીએ સફાઈ કર્મીઓને સન્માનિત કર્યા હતા.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સાવરકુંડલા તાલુકાના બગોયા મુકામે 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અન્વયે ખાસ ગ્રામસભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામસભા દરમિયાન રાજ્યપાલએ પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના સપૂત અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ દેશના ૫૬૨ નાના-મોટા રજવાડાઓને એક કરી દેશને એકતાના અતૂટ સૂત્રથી બાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ગ્રામ વ્યવસ્થા, ગ્રામ સંસ્કૃતિ, ભેદભાવથી પર રહીને સર્વોચ્ચ સ્થાને બિરાજતી માનવતા અને કર્મ એ જ ધર્મ સહિતનો મહિમા વર્ણવતા ગ્રામજનોને ભાઈચારાની ભાવના મજબૂત કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. 

    દરેક બાળક સંસ્કાર સાથે શિક્ષિત અને દિક્ષિત બને, ભારતના શ્રેષ્ઠ નાગરિક બને અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. માણસ - માણસ વચ્ચેના નાના મોટા ભેદભાવ, અમીરી-ગરીબી, ઈર્ષા, દ્વેષ સહિતના ભેદભાવોથી ઉપર ઉઠીને માનવીએ માનવતાને સર્વોચ્ચ સ્થાન આપવું અનિવાર્ય છે. કર્મની પ્રધાનતા, કર્મને જ ધર્મ માની ગુણવત્તાયુક્ત જીવનશૈલી વિકસાવીને માનવીએ જીવનને સમૃદ્ધ બનાવવું જોઇએ તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. સમાજમાં મોર્ડન જીવનશૈલી થકી પરિવારો તુટી રહ્યા છે, ત્યારે રાજ્યપાલએ બગોયા સ્થિત  રમેશભાઈ વાઢેરના સયુંકત પરિવારની એકતાને બિરદાવી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. 

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે સાંજનું ભોજન ગ્રહણ કર્યું હતું. રાજ્યપાલએ શ્રી રમેશભાઈ વાઢેરના ઘરે પરિવારના સભ્યની જેમ ભરેલા ભીંડા, મગનું શાક, બાજરાના અને જુવારના રોટલા,દાળ-ભાત, દેશી ગાયનું દૂધ, ઘી, ગોળ સાથે શુદ્ધ અને સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો. તેમજ ખૂબ સહજતાથી વડીલ ભાવે આ પરિવારનાં સભ્યોની પૃચ્છા કરી હતી. આમ, રાજ્યપાલશ્રીએ બગોયા મુકામે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. આ ઉપરાંત રાજ્યપાલએ વાઢેર પરિવારના બાળકોના અભ્યાસ વિશેની વિગતો મેળવી, શિક્ષણ અને સંસ્કારની મહત્તા જણાવી હતી. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply