રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો 20મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 34 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ૫૩ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના કુલ 641 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક, શ્રેષ્ઠ પુરૂષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું બહુમાન કર્યું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના ૨૦મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને અભિનંદન પાઠવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન શોધ અને સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારવા જણાવ્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન મોડમાં છે, પરંતુ હજુ તેને વેગવંતુ બનાવવાનું છે, તેમ કહી રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યુ હતું.
કૃષિ સંદર્ભે પોતાના જાહેર અને અંગત જીવનના રસપ્રદ ઉદાહરણો આપીને રાજ્યપાલશ્રીએ પોતાના ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવું, સહિતના અનેક પાસાઓ પર તેમણે પોતાના વિચારો વ્યક્ત કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતીસભર તલસ્પર્શી જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું.
રાસાયણિક ખેતીને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી રાજ્યપાલે રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અને દુષ્પરિણામ અંગે તર્ક અને ઉદાહરણો સહિત વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પ્રમાણમાં સારા મળવાથી અને કૃષિ ખર્ચ નહિવત્ હોવાથી સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પ્રાકૃતિક ખેતી થકી સિદ્ધ થતો હોવાનું જણાવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલા ભરી રહી છે, તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદવીધારકોને જીવનના આગામી તબક્કાઓ માટે મંગળકામના પાઠવતાં જણાવ્યું હતું કે, હાઈબ્રીડ બીજ ઘાતક છે, તેથી કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આપણા વાતાવરણ મુજબ ભારતીય બીજ બનાવવા પડશે. ભારતીય બીજ જ પાક ઉત્પાદન માટે સર્વશ્રેષ્ઠ છે, તેમ રાજ્યપાલે જણાવ્યું હતું.