રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, જો ભારતીય સંસ્કૃતિને જાણવી હશે, તો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે. ભારતીય જ્ઞાન-પરંપરાના મૂળ આધારરૂપ વેદ, ઉપનિષદ વગેરે સંસ્કૃતમાં જ લખાયેલા છે. તેના આધારે જ ગીતા, રામાયણ-મહાભારત તેમજ સ્ત્રોતસૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે. આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધારસ્તંભ છે. પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવનદર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છે, તે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓને શીખ આપતાં તેમણે જણાવ્યું હતું કે, જે રીતે આપણે વૃક્ષના મૂળને પાણી આપીએ તો સમગ્ર વૃક્ષ હર્યુભર્યું બને છે. તે રીતે જ જો મનુષ્યને પૂર્ણતા પામવી હશે તો તેના મૂળમાં સંસ્કૃતરૂપી સિંચન કરવું જરૂરી છે. સંસ્કૃત યુનિવર્સિટી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અર્થે, લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરૂચિ કેળવાય તે માટે પ્રયત્નશીલ છે, તેમ જણાવી રાજ્યપાલે સંસ્કૃત યુનિવર્સિટીની સંસ્કૃત વિદ્યાલક્ષી કામગીરીને બીરદાવી હતી.
જ્ઞાનના વિવિધ આયામો સમજાવતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેક્નોલોજી ગમે એટલી આગળ ધપે પરંતુ ધરતી પર મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે. તેને જો શીખવાડવામાં આવે તો જ શીખે છે. પ્રાણીઓને તે શીખવાડવું પડતું નથી. મનુષ્યએ મેળવેલું જ્ઞાન નૈમિત્તિક છે. કારણ કે, તેને શીખવા માટે નિમિત્ત બનવું પડે છે. જ્યારે પ્રાણીએ મેળવેલું જ્ઞાન સ્વાભાવિક હોય છે. છતાં, વધુ મહત્વની વાત એ છે કે, મનુષ્ય પોતે મેળવેલા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરીને તેને આગળ ધપાવે છે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ અંગ્રેજી ભાષાના જ્ઞાનના આધારે થયો છે. પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનાર સંસ્કૃતથી દૂર છે. જો આ બન્ને વચ્ચે તાલમેલ કરવામાં આવે તો તેનું સમાયોજન વિશ્વ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી પરિણામ આપી શકે તેમ છે.
રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. વસંત પરીખને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2025 પુરસ્કાર અને શોધાર્થી નિકુલ શાન્તિલાલ શીલુને ‘શોધવિભૂષણમ્’ પુરસ્કાર-૨૦૨૫ એનાયત કરવામાં આવ્યો હતો.