Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિસનગર ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, જમીનની ફળદ્રુપતા પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ... પ્રાકૃતિક ખેતી થકી ઝેરમુક્ત અનાજનું ઉત્પાદન કરી દેશના નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવીએ

    મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ APMC વિસનગર ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પરિસંવાદ અગાઉ રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.

    મહેસાણા જિલ્લાના વિસનગર APMC ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશથી આપણી ફળદ્રુપ જમીન પથ્થર અને બંજર બની ગઈ છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા નાશ પામ્યા છે તેમજ પક્ષીઓની પ્રજાતિઓ પણ લુપ્ત થઈ રહી છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે આ કુદરતી વિનાશનું પ્રત્યક્ષ પરિણામ છે.

    જમીનની ફળદ્રુપતા પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રાકૃતિક ખેતીને જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, સાચી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવાથી પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળે છે અને ત્યારબાદ તેને ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થાય છે. પોતાના અનુભવ વર્ણવતા તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીમાં પ્રતિ એકર રૂ. ૨૦,૦૦૦ નો ખર્ચ આવે છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં માત્ર રૂ. 2 હજારનો ખર્ચ થાય છે. આ પદ્ધતિથી પાણીની પણ 50 % બચત થાય છે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધતાં જમીન સોના જેવી ફળદ્રુપ બને છે.

    રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કૃષિ વિભાગ અને 'આત્મા' પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય સ્તરે વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે. ગામડાઓમાં તાલીમ પામેલા ટ્રેનર ભાઈ-બહેનો અને કૃષિ સખીઓ ખેડૂતોને માર્ગદર્શન આપી રહી છે. રાજ્યપાલએ ઉપસ્થિત સરપંચો અને જવાબદાર નાગરિકોને અપીલ કરી હતી કે, તેઓ ગામડાઓમાં ચર્ચા કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સમજવા અને અપનાવવા પ્રેરિત કરે, જેથી ઝેરમુક્ત અનાજનું ઉત્પાદન કરી દેશના નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવી શકાય.

    રાસાયણિક ખાતરોના અતિશય વપરાશથી પીવાના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ વધી ગયું હોવાનો ઉલ્લેખ કરતા તેમણે દેશમાં હરિયાળી ક્રાંતિ સમયના ઓર્ગેનિક કાર્બન (2થી 2.5%) અને હાલના ઘટી ગયેલા પ્રમાણ (0.5%થી ઓછું)ની સરખામણી કરીને ચેતવણી આપી હતી કે, જો અત્યારે જમીન અને પાણી નહીં બચાવીએ તો આવનારી પેઢીઓ માટે મોટું સંકટ ઊભું થશે. 

    તેમણે પ્રાકૃતિક ઉત્પાદનોના યોગ્ય વેચાણ માટે રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ નિર્ણયની જાણકારી આપી હતી. સમગ્ર ગુજરાતના દરેક તાલુકા અને જિલ્લા મથકોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે 'વેચાણ કેન્દ્ર' ઊભા કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોના ઉત્પાદનોના સારા ભાવ મળી રહે. દેશને વિકસિત ભારત બનાવવા અને ધરતી માતાને બચાવવા માટે દેશી ગૌમાતાના છાણ અને ગૌમૂત્ર આધારિત આ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાઈને પુણ્ય કમાવવા માટે તેમણે તમામ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

    આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપક આંદોલન શરૂ થયું છે. રાસાયણિક ખાતરોના અતિશય વપરાશથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે માનવ આરોગ્ય અને પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થયું છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નથી પરંતુ જમીન, પાણી અને જનઆરોગ્યને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ અને વિવિધ સંસ્થાઓના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેનાથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન મળશે.

    તેમણે યુવાવર્ગ અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અપનાવવા અપીલ કરતા ઉમેર્યું હતું કે, આપણી પાસે જો ૫ કે ૧૦ વીઘા જમીન હોય તો તેમાંથી થોડા વિસ્તારમાં પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. દેશ અને રાજ્યના યુવાનો ટેકનોલોજીની સાથે સાથે કૃષિ ક્ષેત્રે પણ સ્વાવલંબી બને તે સમયની માંગ છે. દેશી ગાય આધારિત ખેતી દ્વારા જમીનમાં સુક્ષ્મ પોષક તત્વો વધે છે અને પર્યાવરણનું પણ જતન થાય છે. રાજ્યપાલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રાકૃતિક ખેતીના મોડેલ તરીકે દેશભરમાં અગ્રેસર બની રહ્યું છે અને તેનાથી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં સતત વધારો થશે.

    આ પ્રસંગે લોકસભા સાંસદ હરિ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, APMC ચેરમેન જયંતી પટેલ, પદાધિકારીઓ, ખેતીવાડી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ, માસ્ટર ટ્રેનર ખેડૂતો, કૃષિ સખી બહેનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
apply