રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુરત ખાતે 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'માં સહભાગી થયા
Live TV
-
શ્રી હનુમાનજી મહારાજનો મહિમા જન-જન સુધી પહોંચે, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ તેમજ આધ્યાત્મિકતા ઉજાગર થાય અને યુવાનો વ્યસનો છોડી સંકટમોચન હનુમાનજીને પોતાના આદર્શ માની સાચા રસ્તે વળે એવા શુભ ઉદ્દેશથી શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારૂતિ ધૂન મંડળ યુવા ગૃપ તથા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા સીમાડા, આઈકોનિક રોડ, સરથાણા જકાતનાકાના રૂક્ષ્મણી ચોક ખાતે ૫.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા (સાળંગપુર ધામ)ના વક્તાપદે ‘શ્રી હનુમાનચાલીસા યુવા કથા’ યોજાઈ રહી છે.
જેના છઠ્ઠા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. કથામાં કેન્દ્રીય શ્રમ, રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના મારૂતિ ધૂન મંડળના સેવાભાવી યુવાનોએ રાત-દિવસ મહેનત કરીને ભારતીય સંસ્કૃતિનો પાયો મજબૂત કર્યો છે. સુરતથી યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની 'સૂરત' બદલવાનું કાર્ય કરશે, એમ સુરતના સીમાડા ખાતે 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'માં સહભાગી બનેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું.
શ્રી મારૂતિ ધૂન મંડળ યુવા ગ્રુપને તેમના આ પ્રકારના સેવાકાર્યો માટે અભિનંદન આપતા રાજ્યપાલે વધુમાં કહ્યું હતું કે, આપણા વડીલો યુવાનોની આધુનિક જીવનશૈલી અને સ્વચ્છંદતાથી ચિંતિત છે, ત્યારે યુવાનોને સદાચારના માર્ગે વાળી તેમને પોતાની ફરજનું જ્ઞાન અને ભાન કરાવવાનો આ મહાયજ્ઞ સરાહનીય છે.ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ પ્રદાન કરીને અને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરીને, યુવાનો માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આવા ઉમદા પ્રયાસો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને યુવાનોના ઉત્સાહને બળ આપે છે એમ પણ રાજ્યપાલે જણાવ્યું હતું.
આપણે મર્યાદા પુરુષોત્તમ રામ અને યોગેશ્વર ભગવાન કૃષ્ણના સંતાનો છીએ. દેશની મહાન સંસ્કૃતિએ વિશ્વને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાનો પરિચય કરાવ્યો છે. મહાપ્રતાપી હનુમાનજીના જીવન ચરિત્રનું શ્રવણ કરીને યુવાનો સદ્દમાર્ગે આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં રાજ્યપાલે જવાબદાર, પરિપૂર્ણ અને આત્મનિર્ભરતાની મૂર્તિ એટલે નવયુવાન એવી વ્યાખ્યા આપી ભારતને દિવ્ય અને ભવ્ય બનાવી વિકસિત ભારત બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.