રાજ્યપાલ તથા મુખ્યમંત્રી નવસારીના ખેરગામ તાલુકાના આછવણી ગામે સફાઈ અભિયાનમાં જોડાયા
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને ગ્રામજનો સાથે ઝાડુ વડે જાતે કચરો સાફ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલએ સ્વચ્છતાનું મહત્વ સમજાવી જણાવ્યું કે, સ્વચ્છતા એ માત્ર બાહ્ય સફાઈ નથી, પરંતુ તે એક જીવનશૈલી અને સંસ્કાર છે. સ્વચ્છ ભારત એ રાષ્ટ્રનિર્માણનો પાયો છે. 'સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્ય' એ ન્યાયે સ્વચ્છતાથી સમાજ સ્વસ્થ બનશે અને પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે. દરેક નાગરિકને પોતાની આસપાસના પરિસરને સ્વચ્છ રાખીને 'સ્વચ્છતા હી સેવા'ના મંત્રને ચરિતાર્થ કરવા અને સમૃદ્ધ તથા ગૌરવશાળી ભારતનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતીનું મહત્વ જણાવી ઉપસ્થિત ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કર્યા હતા.
રાજ્યપાલએ આછવણી ગામ સ્વચ્છ સુઘડ બને, ગામમાં ભાઈચારો, સંપ, એકતા જળવાઈ રહે એ માટે સામૂહિક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ દેશવાસીઓ સ્વચ્છતાને સ્વભાવ બનાવે તેમજ ખુલ્લામાં શૌચ જતા ગ્રામજનો માટે દેશવ્યાપી સ્વચ્છતા આંદોલન ચલાવ્યું અને આજે દેશના કરોડો ઘરો શૌચાલયથી યુક્ત બન્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આછવણી ગામ સ્વચ્છ અને સુઘડ બને એ માટે સૌ સાથે મળીને સ્વચ્છતાને પ્રાધાન્ય આપે. ગ્રામજનોને ટકોર કરતા કહ્યું કે, ગ્રામજનો અને ખાસ કરીને યુવાનો તમાકુ, ગુટખા, પાનમસાલાનું સેવન સદંતર બંધ કરી પૌષ્ટિક ખોરાક લે. નિર્વ્યસની અને સંસ્કારવાન બની ગામ, રાજ્ય અને દેશનું ગૌરવ વધારે. વિકાસ અને સમૃદ્ધિની આકાંક્ષા જ ગુજરાત 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭' નું વિઝન સાકાર કરવામાં મદદરૂપ થશે.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગામના બે સ્વચ્છતા કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું.
સ્વચ્છતા ઝુંબેશમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, પદાધિકારી-અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
