રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, નદીઓમાં આવ્યા નવા નીર
Live TV
-
ભરૂચ, રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, જામનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પહોંચી 119.69 મીટરે
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચ, મોરબી, છોટાઉદેપુર, જામનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૌરાષ્ટ્રભરમાં મોડીરાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. રાજકોટમાં 4 ઈંચ, ગોંડલમાં 4 ઈંચ, વીરપુરમાં 3 ઈંચ, ઉપલેટામાં 3 ઈંચ, જસદણમાં 2 ઈંચ, લોધીકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
જૂનાગઢ પંથકમાં પણ મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. આ સાથે અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ધનસુરા અને ભિલોડામાં ધોધમાર વરસાદથી મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદથી શહેરીજનોમાં આનંદનો માહોલ છવાયો છે.
વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 119.69 મીટર સુધી પહોચી છે.જ્યારે જિલ્લાના કરજણ ડેમની સપાટીમાં છેલ્લા બે દિવસમાં 4 મીટરનો વધારો થયો છે. જેથી સપાટી 104.81 મીટરે પહોંચી છે. જેના પગલે બે જળવિદ્યુત મથક ફરીથી ધમધમતા થયાં છે.
