Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 1546 નવી મહેસૂલી જગ્યાઓ ઉભી કરાશે: ભરતી અને તાલીમ માટે બજેટમાં માતબર જોગવાઈ

Live TV

X
  • ગુજરાત વિધાનસભા ખાતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ વર્ષ 2026-27ના બજેટ માટેની મહેસૂલ વિભાગની કુલ રૂ.5551 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી. જેને ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ હેઠળ મહેસૂલ વિભાગની કામગીરીને વેગ આપવા વિવિધ સંવર્ગની 1546 નવી જગ્યાઓ ઉભી કરવા રૂ.47 કરોડની જોગવાઈ કરાઈ છે. 

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના બજેટની કુલ રૂ.5427 કરોડની જોગવાઈ સામે આ વર્ષે રૂ.124 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. જેમાં ટેકનોલોજીનો વ્યાપ વધારવા અને વહીવટી પારદર્શિતા લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 

    આ અંગે વિવિધ સુધારાઓ અને મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ કરતાં મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાથી ડિજિટલ ઇન્ડિયા પર ભાર મૂકે છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત વધુ પારદર્શકતા સાથે નાગરિકોના હિતમાં કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, iORA પોર્ટલ થકી ખેડૂત ખરાઈ અને વારસાઈ નોંધ જેવી 39 જેટલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે. આ પોર્ટલ સાથે સિટી સર્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઇ-ધરાના જોડાણથી હવે બિનખેતીની પરવાનગી મળતાની સાથે જ અરજદારોને સીધા જ ડિજિટલ પ્રોપર્ટીકાર્ડ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. iORA માટે રૂ.5 કરોડની જોગવાઈ કરાઈ છે.

    તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં 2.90 કરોડથી વધુની આવકના દાખલાની અરજીઓ, 2.14 કરોડથી વધુની રેશનકાર્ડની વિવિઘ સેવાઓ, 51 લાખથી વધુ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર કાઢવાની અરજીઓ, 5.73 લાખથી વધુ વિધવા સહાય પ્રમાણપત્રની અરજીઓ, 6 લાખથી વધુ સિનિયર સિટિઝન પ્રમાણપત્રની અરજીઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, અત્યાર સુધીમાં 1.99 કરોડથી વધુની અન્ય પ્રકારની સેવાઓની અરજીઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

    મહેસૂલ રાજ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે નાગરિકલક્ષી અભિગમ અપનાવીને વહીવટી સુધારા અને 'સરકાર નાગરિકના દ્વારે' જેવા પગલાં લીધા હતા. જે અંતર્ગત, એ.ટી.વી.ટી (ATVT) અંતર્ગત જનસેવા કેન્દ્રો જેવા પ્રકલ્પ શરૂ કર્યા હતા. જેના થકી અત્યાર સુધીમાં 7.98 કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરાયો છે. જેમાંથી 50 સેવાઓ 'વન ડે સર્વિસ' હેઠળ ઉપલબ્ધ છે. ઈ-ધરા કેન્દ્રો દ્વારા 7/12 અને 8-અ ના રેકોર્ડ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવ્યા છે. એટીવીટી અને ઈ-ધરા માટે રૂ.136 કરોડની જોગવાઈ સૂચવી છે.

    આ જ પ્રકારે, મહેસૂલ વિભાગની કામગીરીને વેગ આપવા વિવિધ સંવર્ગની 1546 નવી જગ્યાઓ ઊભી કરવા રૂ.47 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, નાયબ મામલતદાર અને તલાટી સંવર્ગની 4133 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. મહેસૂલી કર્મચારીઓની ક્ષમતા નિર્માણ માટે રૂ.4 કરોડ ફાળવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, 'દીનદયાળ મોજણી અને મહેસૂલી વહીવટ સંસ્થા'ને કેન્દ્ર દ્વારા 'સેન્ટર ઓફ એક્સેલન્સ'નો દરજ્જો અપાયો છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, નવી કલેક્ટર કચેરીઓ, મહેસૂલી ભવન અને 560 સ્ટાફ ક્વાર્ટર્સ માટે રૂ.545 કરોડની જોગવાઈ કરી છે. જે અંતર્ગત, સુરેન્દ્રનગર ખાતે નવી કલેક્ટર કચેરીના ભવન માટે, ખેડા જિલ્લાના મહુધા, મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા, અમરેલી જિલ્લાના લાઠી, આણંદ જિલ્લાના ઉમરેઠ, સુરત શહેરના અબ્રામા ખાતે નવી મહેસૂલી કચેરીઓના બાંધકામ માટે દસ્ક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી કચેરીઓના વિસ્તરણ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે.

    જ્યારે રાજ્યના ગ્રોથ એન્જિનને ગતિ આપવા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને કેશોદ એરપોર્ટ જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું છે. જમીન દફતર ખાતા માટે કુલ રૂ.243 કરોડ ફાળવ્યા છે.

    મહેસૂલ રાજ્યમંત્રીએ કહ્યું કે, ખેતીની જમીનના વેચાણ નોંધ માટે 25 વર્ષ અગાઉનો રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં તેમજ તા. 8 એપ્રિલ, 2025થી અમુક વિસ્તારોની નવી શરતની જમીનોને જૂની શરતમાં ગણવાનો અને પ્રીમિયમમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. 'સ્વામિત્વ' યોજના હેઠળ 14,801 ગામોમાં ડ્રોન દ્વારા માપણી પૂર્ણ થઈ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

    રાજયમાં કુદરતી આફત વ્યવસ્થાપન અને સહાયની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે ચોમાસુ-2025માં ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકારે રૂ.10,000 કરોડનું માતબર પેકેજ જાહેર કર્યું હતું. આગામી વર્ષ માટે SDRF હેઠળ રૂ.1716 કરોડ અને SDMF હેઠળ રૂ.429 કરોડની જોગવાઈ છે. આપત્તિ સમયે મદદ માટે 3500થી વધુ 'આપદા મિત્ર' તૈયાર કરાયા છે.

    સ્ટેમ્પ અને નોંધણી તંત્ર માટે રૂ.150 કરોડ તથા પંચાયતોને સ્ટેમ્પ ડ્યુટી વળતર માટે રૂ.700 કરોડની જોગવાઈ છે. પાંચ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને રૂ.3.50 કરોડના ખર્ચે 'મોડેલ કચેરી' બનાવાશે તેમ મહેસૂલ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું.

    રાજ્યની 294 માંથી 292 સબ-રજિસ્ટ્રાર કચેરીઓને હવે CCTV કેમેરાના નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવી છે. જેનાથી વહીવટમાં પારદર્શિતા વધશે. આધુનિક સોફ્ટવેર અને હાર્ડવેરને કારણે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા વધુ સરળ અને વેગવાન બનશે. આમ, વિધાનસભા ગૃહમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા રજૂ કરવામાં આવેલી મહેસૂલ વિભાગની અનુદાન અંગેની માગણીઓ મંજૂર કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2026 Max Temp : °C Min Temp : °C
apply