રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળ વર્ગ-3 ની ભરતી માટે કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરાઈ
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પોલીસ દળમાં વર્ગ 3ની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ દળ વર્ગ-3ની સીધી ભરતીને પારદર્શક, નિષ્પક્ષ અને ઝડપી બનાવવાના સારા આશયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે.
પોલીસ ભરતી બોર્ડ બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, પ્લાટુન કમાન્ડર, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેકટર, બિન હથિયારી આસિસટન્ટ સબ ઈન્સ્પેકટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF), જેલ સિપાઈ (મેલ) તથા જેલ સિપાઈ (ફીમેલ) ઉપરાંત પોલીસ ખાતાના વર્ગ-3ના તમામ પોલીસ સંવર્ગોની સીધી ભરતી કરાશે. તેમની ભરતી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા પરીક્ષાઓના માધ્યમથી લેવાશે.
આ કાયમી ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના IPS અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય ૪ સભ્યો રહેશે.
આ બોર્ડ દ્વારા આગામી સમયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,600 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,302 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF)ની 1,000 જગ્યાઓ, જેલ સિપોઈ(મેલ)ની 1,013 જગ્યાઓ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની 85 જગ્યાઓ મળી કુલ 12,472 જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્ય પોલીસ દળ વર્ગ-૩ના પોલીસ સંવર્ગોની સીધી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી હતી. સમયાંતરે મંડળના કાર્યભારણને જોતાં સમયસર ભરતી થાય તે માટે પોલીસ દળની વર્ગ-૩ની જગ્યાઓ ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ મેળવીને ગૃહ વિભાગ હેઠળ કામચલાઉ લોકરક્ષક ભરતી બોર્ડ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર ભરતી બોર્ડ મારફત આવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. હવેથી પોલીસ દળ વર્ગ-૩ની ભરતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધારવામાં આવશે.
