રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે, સાબરમતી આશ્રમની મુલાકાત લીધી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યાં છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યાં છે. રાષ્ટ્રપતિ તરીકે તેઓનો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે. રાષ્ટ્રપતિએ તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત સાબરમતી આશ્રમની મુલાકાતથી કરી હતી. જેમાં તેમણે રેટીયો કાંતવાની સાથે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કરીને ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટના રૂપિયા 1200 કરોડના પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. તેમણે વિઝીટ બૂકમાં લખ્યું હતું કે સાબરમતીના સંત અને રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીની ભૂમિ પર આવી ને શ્રધ્ધા અને પ્રેરણાનો સંચાર થાય છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવનવૃત, અમુલ્ય ધરોહરને સંભાળીને રાખવામાં આવી છે. તેમણે સાબરમતી આશ્રમના સંચાલકોનો આભાર માન્યો હતો. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાષ્ટ્રપતિએ સાબરમતી આશ્રમ પહોંચી સૌથી પહેલા આશ્રમ પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું હતું. સાથોસાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મોડલને નિહાળીને જાણકારી મેળવી હતી. રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના ચિત્રને સુતરનો હાર પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો.
