વડોદરામાં પૂરની પરિસ્થિતિ ફરી ન સર્જાય એ માટે દબાણો દૂર કરાશે, પુરાયેલાં તળાવો ફરી ખોદાશે
Live TV
-
વિશ્વામિત્રી નદીના પૂરમાં લગભગ મોટાભાગનું શહેર ડૂબી ગયું હતું. વડોદરામાં આવેલા પૂરની સ્થિતિ બાદ શહેરની સ્થિતિ કફોડી બની હતી. વડોદરામાં આવેલા પૂરે વિનાશ વેરયો છે. વડોદરાના પ્રજાજનોએ નેતાઓને પોતાના વિસ્તારમાંથી પરત મોકલ્યા એટલે સરકાર હવે ડેમેજ કંટ્રોલ કરવા અને ફરીથી ભવિષયમાં વડોદરામાં પૂરની પરિસ્થિતિ ફરી ન સર્જાય એ માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્ય સરકારે વડોદરામાં પૂરની સ્થિતિ માટે થયેલાં દબાણોને તોડી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દબાણો હટાવવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ પણ સ્વીકાર કર્યો છે કે, પૂરની પરિસ્થિતિ પાછળ વરસાદી કાંસોની સાફ-સફાઈ અને વરસાદી કાંસોની આસપાસ થયેલાં દબાણોના કારણે આવી પરિસ્થિતિ ઉદભવી છે.
ડો. શીતલ મિસ્ત્રીએ પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદ ન કરી શક્યાનો સ્વીકાર કર્યો છે. હવે આગામી સમયમાં ફરી એકવાર આ સ્થિતિ ન સર્જાય તે માટેનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પરંતુ તેઓએ દબાણો દૂર કરવા માટે રાજકીય સર્વાનુમતી જરૂરી હોવાનું જણાવ્યું છે.
આ અંગે ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં શું કરવાથી પૂરની પરિસ્થિતિને ટાળી શકાય. જેમાં ખાસ કરીને વિશ્વામિત્રી નદીનું ડાયવર્ઝન સાથે ખાસ કરીને ત્રણ તળાવો વડદલા, હરિપુરા અને ધનોરા તળાવ પર વ્યવસ્થા કરવામાં આવે જેથી આજવા અને પ્રતાપપુરામાં પાણીનો કંટ્રોલ થાય છે.
વધુમાં કહ્યું કે, વરસાદી કાંસો અને આપણા જે નેચરલ કાંસો છે, ભૂખી કાંસ, મશિયા કાંસ, હાઈવે સમાંતર કાંસ, વાસણા કાંસ, બિલ અટલાદરા કાંસ અને રાજીવ નગરથી કાસમ આલા કબ્રસ્તાન સુધીની કાંસ આ બધા જ કાંસો પર દબાણો થયાં હોય તો તેનો સર્વે કરી રાજકીય આગેવાનોની સર્વાનુમતેથી આગલા દિવસોમાં પ્લાનિંગ કરી તે દિશામાં કાર્ય કરીશું.
વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે પૂરની પરિસ્થિતિમાં ખાસ કરીને સાધનો જેમાં જેસીબી, ટ્રેક્ટર, રોબોટ અને ડમ્પર આ બધાં સાધનોની અછત વર્તાતા તમામ સેવાભાવી સંસ્થાઓ અમદાવાદ અને સુરત પાસે જેટલા પણ કોન્ટ્રાક્ટર હતા તેઓની પાસેથી જેસીબી અને ડમ્પરની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં હાઇવેની આસપાસ આવેલ કાંસ છે ત્યાં રસ્તા માટે બોટલ નેક કરી રસ્તો બનાવેલો છે, તે ખોલવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.
વધુમાં જણાવ્યું કે, આવનાર સમયમાં સર્વે કર્યા બાદ રાજકીય સર્વાનુમતે દબાણો દૂર કરવામાં આવશે. પૂર પાછળ અગાઉ જે અધિકારીઓ હોય તેઓએ મંજૂરી આપી હોય અને તેઓ રિટાયર થઈ ગયા હોય દબાણો આજકાલનાં નહીં 25 વર્ષથી થયેલ હોવાથી તે બાબતે અમે દૂર કરવા માટે નિર્ણય કરીશું.
