વડોદરામાં ફરતા પશુ દવાખાના અબોલ પશુઓ માટે બન્યા આશીર્વાદરૂપ
Live TV
-
વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં ફરતા પશુ દવાખાના દ્વારા ૬૯૧૮૭ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.
રાજ્ય સરકારે અબોલ પશુઓની સારવાર માટે ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ કર્યું છે. વડોદરા જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા આવા ૧૭ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. જે સાચે જ અબોલ પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. ડભોઈ તાલુકાનું ફરતા પશુ દવાખાનામાં (MVD) અમરેશ્વર ગામનો સમાવેશ થાય છે. સીમલીયામાં ફરતા પશુ દવાખાનામાં કાર્યરત ડો. ચિરાગ અને તૌશિફ પઠાણ સવારે તેમના શિડ્યૂલ મુજબ અમરેશ્વર ગામે વિઝિટમાં હતા. આ ગામના રામુ ઠાકોરની ભેંસને અચાનક પ્રસુતિની પીડા થવા પામી હતી અને સંજોગોવસાત પશુ ડોકટર પણ આજ ગામમાં હતા. પશુપાલકે તરત જ ગામમાં ડોક્ટરને મળી પોતાના પશુની તકલીફ અંગે વાત કરી. ડો. ચિરાગ પરમાર ભેંસની સારવારમાં લાગી ગયા, પરંતુ સારવાર દરમિયાન ખબર પડી કે ભેંસની ડિલિવરી ખુબ પીડાદાયક છે. જેને ડિસ્ટોકિયા કહેવામાં આવે છે.
પરંતુ ડો.ચિરાગની સૂઝબુઝ અને આવડતના લીધે બે કલાકની ભારે જહેમત બાદ ભેંસ અને તેના નવજાત બચ્ચાને સહી સલામત રીતે બચાવી લીધા ત્યારે પશુ પાલકે રાહતનો શ્વાસ લઈ ૧૯૬૨ અને MVD સેવા તેમજ વેટરનરી ડોક્ટર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં ફરતા પશુ દવાખાના દ્વારા ૬૯,૧૮૭ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.જેમાં મેડિકલ ઇમર્જન્સીના ૧૭,૯૪૮ કેસ,મેડિસિન સપ્લાયના ૩૩,૩૪૬, સર્જીકલના ૧૩,૦૨૨ કેસ, પ્રસુતિના ૨,૯૦૯ કેસ અને અન્ય ૧,૯૬૨ કેસનો સમાવેશ થાય છે. આમ,વડોદરા જિલ્લામાં અત્યાર સુધી ફરતા પશુ દવાખાના દ્વારા ૬૯,૧૮૭ જેટલા અબોલા પશુઓનો જીવ બચવામાં આવ્યો છે.