વલ્લભીપુર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
Live TV
-
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વલ્લભીપુર ખાતે ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના 925 લાભાર્થીઓને રૂ. 86 લાખની કિંમતના કુલ 5307 સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વલ્લભીપુરની ઐતિહાસિક ધરતી પર યોજાયેલા આ સેવા યજ્ઞમાં વલભીપુર શહેર-તાલુકાના આશરે 513 તેમજ ઉમરાળા તાલુકાના 412 મળી કુલ 925 વયોવૃદ્ધ લાભાર્થીઓને રૂ. 86 લાખની કિંમતના આશરે 5,307 જેટલા વિવિધ સહાયક સાધનો નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે. આ સાધનોમાં કાનના મશીન, વોકર, વ્હીલચેર, ટ્રાઇસિકલ, લાકડી, ચશ્માં, ઘૂંટણ તથા કમરના પટ્ટા, કુશન સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઉંમર વધવાની સાથે વડીલોને સાંભળવામાં, જોવામાં કે ચાલવામાં તકલીફ પડતી હોય છે. ઘણી વખત આ મુશ્કેલીઓના કારણે વડીલો પરિવાર અને સમાજથી દૂર થઈ એકલતા અનુભવતા હોય છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મળતાં આ સહાયક સાધનો તેમના રોજિંદા જીવનને સરળ બનાવવાની સાથે તેમને પરિવાર સાથે વધુ સારી રીતે જોડાયેલા રહેવામાં મદદરૂપ થશે.
કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભારતીય સંસ્કૃતિમાં વડીલોને આપવામાં આવેલા સન્માનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “વૃદ્ધ સેવા એ પરમ પુણ્ય” છે. માતા-પિતાએ પોતાના સંતાનોના ઉછેર અને શિક્ષણ માટે સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. ઘણી વખત પોતાની જરૂરિયાતો અને મુશ્કેલીઓ હોવા છતાં તેઓ સંતાનો પાસેથી કોઈ વસ્તુની માંગ કરતા નથી. આવા વડીલોને સરકારની યોજના દ્વારા જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાનું કાર્ય સમાજસેવા સાથે માનવતાનું પણ કાર્ય છે.
તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, કોઈ વડીલને સાંભળવામાં તકલીફ હોય અને કાનના મશીનની જરૂરિયાત હોય, પરંતુ તેની કિંમત પરિવાર માટે વધારે હોય તો ઘણી વખત વડીલ પોતાની જરૂરિયાત સંતાનને જણાવતા નથી. સરકાર દ્વારા આવા સાધનો વિનામૂલ્યે મળવાથી વડીલના જીવનમાં સુગમતા સાથે પરિવારના સભ્યોના ચહેરા પર પણ ખુશી આવે છે.વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન અને શાસનના પ્રસંગે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વલભીપુરમાં યોજાયેલો આ કેમ્પ પણ સેવા અને સંવેદનાનો એક મહત્વપૂર્ણ ઉપક્રમ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત, જે વડીલો અથવા દિવ્યાંગજનો આવા કેમ્પમાં લાભથી વંચિત રહી ગયા હોય તેમના માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે દિવ્યાશા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં જરૂરિયાતમંદ વડીલો તથા દિવ્યાંગજનોનું એસેસમેન્ટ કરી તેમની જરૂરિયાત અનુસાર સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ સખી મંડળોની બહેનોનું અભિવાદન કર્યું હતું. જેમાં જય માતાજી સખી મંડળ, રાધેકૃષ્ણ સખી મંડળ, જય મહાકાળી સખી મંડળ અને બાપા સીતારામ સખી મંડળ સહિતના સખી મંડળોની બહેનો દ્વારા સ્થાનિક સ્તરે વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેમાંથી મળતી આવક દ્વારા પરિવારના ભરણપોષણ તથા બાળકોના શિક્ષણમાં સહયોગ મળી રહ્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા તથા આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલે પ્રસંગોચિત પ્રવચનો કર્યાં હતાં.
વલ્લભીપુર ખાતે સ્ટાન્ડર્ડ અને કોમોડ વ્હીલચેર – 115 , ચાલવાની લાકડીઓ (સ્ટાન્ડર્ડ, ટ્રાયપોડ અને ક્વાડ્રિપોડ) – 621, શ્રવણયંત્રો (Hearing aids) – 773 , બત્રીસી (Dentures) – 135, કમરના પટ્ટા (Lumbar belts) – 738 , ઘૂંટણના બ્રેસ (Knee braces) – 1668, ખભાના બ્રેસ (૨૭ braces) – 123, વોકર્સ – 195, સીટ કુશન – 497, કોમોડ સ્ટૂલ – 362, બેઠક ધરાવતી ચાલવાની લાકડીઓ – 80 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ, આગેવાન દિગ્વિજયસિંહ ગોહેલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, શિહોર પ્રાંત અધિકારી ધીરેન સોનારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશ, એલિમ્કો ગુજરાતના શશાંક પાંડે સહિતના આગેવાનો, અધિકારીઓ વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
