વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહકાર ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજી અને ગ્રીન એનર્જીના સમન્વય પર કરાયુ મંથન
Live TV
-
સુરત, માહિતી બ્યુરો, તા.02 સુરત સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત ઝોન) ના દ્રિતીય દિવસે રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉધ્યોગ, પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને વેલ્યુ એડિશન, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટ સ્કોપ્સ ઈન કો.ઓપરેટીવ સેક્ટર ઓફ ગુજરાત વિષય પર મંથન કરાયું.
આ પ્રસંગે નાયબ દંડક કૌશિક વેકરીયા અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત સહકારની પવિત્ર ભૂમિ છે અને પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલું નવું 'સહકાર મંત્રાલય' આ ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યું છે. સહકારના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોના ઉત્થાન માટે કટિબદ્ધ છે.વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ગ્રીન એનર્જી અને વેલ્યુ એડિશનનો નવો અધ્યાય સહકાર ક્ષેત્ર માટે આર્થિક સહાયનો રોડમેપ બનશે. રાજ્યની પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) ને હવે 'કોમન સર્વિસ સેન્ટર' અને 'જન ઔષધિ કેન્દ્રો' તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોને ગામડામાં જ 75થી વધુ સરકારી સેવાઓ ઉપલબ્ધ થાય. બેંકિંગ સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે 14,330 ગ્રામ પંચાયતોમાં 12,000થી વધુ 'માઇક્રો-એટીએમ'નું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સાથે 36 લાખ પશુપાલકોને 'રૂપે ડેબિટ કાર્ડ્સ' આપી નાણાકીય સમાવેશ સાધ્ય કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારે ખેડૂતોને સમયસર અને સસ્તું ધિરાણ મળી રહે તે માટે 'વ્યાજ સહાય યોજના'ની જોગવાઈ વધારીને રૂ.1200 કરોડથી વધારી રૂ. 1539 કરોડ કરી છે. જે ખેડૂતો સમયસર લોન પરત કરે છે, તેમને 0% વ્યાજે રૂ. 3 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે, જેથી ખેતીનો ખર્ચ ઓછો કરી શકાય એમ કેબિનેટ મંત્રીએ જણાવ્યુ હતું.
આ સાથે બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા સ્થાપિત 3 બાયો-સીએનજી પ્લાન્ટ્સ આજે દેશ માટે મોડેલ બન્યા છે. પશુપાલકો પાસેથી રૂ. 1 પ્રતિ કિલોના ભાવે દરરોજ 240 મેટ્રિક ટન ગોબર ખરીદીને તેમની આવકમાં વધારો કરવામાં આવે છે. આ પ્લાન્ટ્સ દ્વારા પર્યાવરણની જાળવણી સાથે બાયો-સીએનજી અને મોટા પાયે પ્રાકૃતિક ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ વર્ષે દૂધ સંઘોમાં આવા પ્લાન્ટ્સ સ્થાપવા માટે રૂ. 60 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે.ભારત સરકાર દ્વારા સ્થાપિત ત્રણ નવી સંસ્થાઓ નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) અને નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ દ્વારા ગુજરાતના સહકારી ઉત્પાદનો હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થશે, જે 'લોકલ ટુ ગ્લોબલ'ના મંત્રને સાકાર કરશે. આ સંસ્થાઓ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને બ્રાન્ડિંગ, સર્ટિફિકેશન અને માર્કેટિંગમાં મદદ કરી તેમની આવક બમણી કરવામાં પથદર્શક બનશે એમ મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગના અરુણકુમાર એમ. સોલંકી (IAS), રજીસ્ટ્રાર, સહકારી મંડળીના મિતેષ પી. પંડયા (IAS), સુમુલ ડેરીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફીસર, હર્ષ ઠાકર, આસિસ્ટન્ટ મેનેજર ક્વોલીટી અસ્યોરન્સ, કૃષિ ઉત્પાદન બજાર સમિતિ-સુરત મોનિકા ઠાકોર, NCEL ના બિઝનેસ મેનેજર, કુ. આયુષી નાયક સહિત વિવિધ દૂધ સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
