વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પર એક સેમિનારનું આયોજન થશે
Live TV
-
ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IAS સુપ્રીત ગુલાટીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, 10-12 જાન્યુઆરી 2024 દરમિયાન “ધોલેરા: અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર 10મી જાન્યુઆરી 2024ના રોજ મહાત્મા મંદિરના હોલ નં.3 ખાતે યોજાશે.
સુપ્રીત ગુલાટીના જણાવ્યા મુજબ આ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી સેમિનાર રોકાણ અંગેની ચર્ચાઓને સમજવા અને તેમાં જોડાવા માટે હિતધારકો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. સેમિનાર વિશે વિગતો જણાવતા તેમણે કહ્યું હતું કે, સેમિનારમાં મુખ્ય સંબોધનો, પ્રેઝન્ટેશન, પેનલ ડિસ્કશન, નોલેજ શેરીંગ, વિચારમંથન અને નેટવર્કિંગ સેશનનો સમાવેશ થાય છે. વધુમાં, સેમિનારમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સંગઠનો, સંભવિત રોકાણકારો અને વ્યાપારી સંસ્થાઓના 500 થી વધુ સહભાગીઓ જોડાશે.
ઈવેન્ટની શરૂઆત ઉદ્ઘાટન સત્ર સાથે થશે, ત્યારબાદ પેનલ ડિસ્કશન અને થિમેટીક સેશન હશે. તેમણે ઉમેર્યું કે ઉદ્ઘાટન સત્રને ધોલેરા ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોકાણની સંભાવનાઓ અંગેની રજૂઆત સાથે ભારત સરકાર અને ગુજરાત સરકારના મુખ્ય નિર્ણય લેનારાઓ દ્વારા સંબોધિત કરવામાં આવશે. 'ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીઝ: ફ્યુચર ઑફ અર્બનાઇઝેશન' પર યોજાનાર પેનલ ડિસ્કશનમાં શહેરીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ, સરકાર અને ઉદ્યોગ અગ્રણીઓ વધુ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અને આયોજનબદ્ધ શહેરોની સ્થાપના માટે નવીન ઉકેલોની શોધ કરશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સેમિનાર ઉપરાંત ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી, ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને માંડલ બેચરાજી SIR સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેવેલિયનના હોલ 10માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉમાં ભાગ લેશે. 9 જાન્યુઆરી, 2024 ના રોજ યોજાનાર ટ્રેડ શૉમાં ધોલેરા SIR ના VR-ટૂર માટે વર્ચ્યુઅલ રિયાલિટી ઝોનની સ્થાપના કરવામાં આવશે.