વિશ્વ મધમાખી દિવસ: ખેડૂતોની આર્થિક પ્રગતિનું 'મીઠું' માધ્યમ
Live TV
-
વિશ્વ મધમાખી દિવસ દર વર્ષે 20 મે ના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇકોસિસ્ટમ જાળવવામાં મધમાખીઓ અને અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેમના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક અને નવીન કૃષિનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વધુ ને વધુ ખેડૂતો આજે ફળ પાકો, શાકભાજી પાકો અને નવીન કૃષિમાં સારા પરિણામો મેળવી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ થકી આજે ખેડૂતો સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યા છે. રાજ્ય સરકારની બાગાયતલક્ષી યોજનાઓએ સાણંદના ખીચા ગામના ખેડૂત શ્રી કાશીરામે મધપાલન માટે પીઠબળ પૂરુ પાડ્યું છે. સરકારી યોજનાઓની સહાય અને ખેડૂતની દૃઢ ઇચ્છાશક્તિના સમન્વયથી ખેડૂતો સંઘર્ષથી સમૃદ્ધિ સુધીના સફળ પરિવર્તનનો વિકાસ જોઈ શકે છે એ ખેડૂત કાશીરામે સાબિત કર્યું છે.ખેડૂત કાશીરામે વર્ષો સુધી ઘઉં અને ડાંગરની પરંપરાગત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે, અસ્થિર આબોહવા અને ખેતીના ઊંચા ખર્ચને કારણે તેમની મહેનત પ્રમાણે તેમને સંતોષકારક નફો મળતો નહોતો. આ આર્થિક સંઘર્ષના સમયગાળામાં તેમણે એક નવી દિશા શોધવાનું નક્કી કર્યું. તેમણે સરકારી વિભાગ દ્વારા ઉપલબ્ધ માહિતીનો સહારો લીધો અને બાગાયત ખાતા પાસેથી મધમાખી પાલન વિશે વિસ્તૃત માહિતી મેળવી. તેમણે આણંદ કૃષિ યુનિવર્સિટિમાંથી વિશેષ તાલીમ લઈને આ વ્યવસાયનો પાયો નાખ્યો.
કાશીરામે શરૂઆતમાં 10 પેટીઓમાં નાનું રોકાણ કર્યું. પરંતુ, તેમના આત્મવિશ્વાસ અને બાગાયત વિભાગના સક્રિય સહયોગે તેમને ઝડપથી આગળ વધાર્યા. બાગાયત વિભાગની મધમાખી ઉછેર યોજના હેઠળ મહત્વપૂર્ણ સહાય મળી, જે તેમના વ્યવસાય માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. વ્યવસાયમાં ઉત્તરોતર પ્રગતિ કરતા આજે કુલ 20થી વધુ મધમાખીના બોક્સ છે, અને 100 બોક્સ કરવાનું નજીકના સમયમાં પ્લાનિંગ કરી રહ્યાં છે. તેમનો નાનકડો વ્યવસાય આજે એક લાભદાયી ઉદ્યોગ બની ગયો છે. મધમાખી માત્ર મધ આપે છે એટલું જ નહીં, પણ તે કુદરતની સૌથી મોટી સેવક છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીની સાથે મધમાખી ઉછેર પ્રત્યે ખેડૂતોનો રસ ખૂબ વધ્યો છે. રાજ્ય સરકાર પણ મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવી રહી છે. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ મધમાખી ઉછેર માટે ખૂબ અનુકૂળ છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતો ખેતીની સાથે વધારાની આવક મેળવવા માટે મધમાખીના બોક્સ રાખી રહ્યા છે. આ વ્યવસાયથી ખેડૂતોને ઓછા રોકાણે મોટો નફો મળે છે, કારણ કે બજારમાં શુદ્ધ મધની માંગ હંમેશા રહેતી હોય છે.
મધમાખી ઉછેરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે. જ્યારે મધમાખી ફૂલો પર બેસે છે ત્યારે 'પરાગનયન'ની પ્રક્રિયા થાય છે, જેનાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને સુધરે છે. મધની સાથે સાથે તેની મીણ, રોયલ જેલી અને પ્રોપોલિસ જેવી વસ્તુઓ વેચીને ખેડૂતો સારી કમાણી કરી શકે છે. તેમજ ગુજરાત સરકાર અને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને મધમાખીના ઉછેર માટેની કીટ અને તાલીમ પર સબસિડી આપવામાં આવે છે. આજે બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે, જે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણા છે. વિશ્વ મધમાખી દિવસ આપણને સંદેશ આપે છે કે આ નાના જીવનું રક્ષણ કરીને આપણે ખેતીને વધુ નફાકારક બનાવી શકીએ છીએ. ગુજરાતના ખેડૂતો હવે આ 'સ્વીટ રિવોલ્યુશન' (મીઠી ક્રાંતિ) ના ભાગીદાર બની રહ્યા છે.આજે ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે ત્યારે ખેડૂતો માટે 'મધમાખી ઉછેર' એક વરદાન સાબિત થઈ રહ્યો છે. મધમાખી માત્ર મધ જ નથી આપતી, પણ તે ખેડૂતની સાચી મિત્ર પણ છે. ગુજરાતમાં હવે અનેક ખેડૂતો પોતાના ખેતરના શેઢે મધમાખીના પેટીઓ (બોક્સ) રાખીને લાખોની કમાણી કરી રહ્યા છે. આ કામમાં મહેનત ઓછી છે અને ફાયદો ઘણો વધારે છે. ખેડૂતોએ માત્ર ખેતરમાં મધમાખીના બોક્સ ગોઠવવાના હોય છે. મધમાખી પોતે જ ફૂલોમાંથી રસ શોધી લાવે છે અને મધ બનાવે છે. આ રીતે ખેડૂતને ખેતીના પાકની સાથે સાથે મધ વેચીને વધારાના પૈસા મળે છે.
ઘણા લોકોને એવું લાગે છે કે મધમાખી ખેતીને નુકસાન કરે છે, પણ હકીકત એનાથી સાવ ઉંધી છે. મધમાખી જ્યારે ફૂલો પર બેસે છે, ત્યારે તેનાથી પાકમાં પરાગનયન થાય છે, જેનાથી પાકનું ઉત્પાદન 20 થી 30 ટકા વધી જાય છે. મધમાખી ઉછેર શરૂ કરવા માટે બહુ મોટી જગ્યા કે મશીનોની જરૂર પડતી નથી. નાના ખેડૂતો પણ 5-10 બોક્સથી શરૂઆત કરી શકે છે. જો કોઈ ખેડૂત આ કામ શરૂ કરવા માંગે, તો ગુજરાત સરકાર દ્વારા સાધનો અને બોક્સ ખરીદવા માટે મોટી સબસિડી (આર્થિક મદદ) આપવામાં આવે છે. શુદ્ધ મધની માંગ ગામડાંથી લઈને શહેરો સુધી ખૂબ વધારે છે. ખેડૂતો પોતાનું મધ સીધું પેક કરીને સારા ભાવે વેચી શકે છે. મધમાખી ઉછેર એ ગુજરાતના ખેડૂતો માટે 'મીઠી ક્રાંતિ' છે. આ એક એવો વ્યવસાય છે જેમાં પ્રકૃતિનું રક્ષણ પણ થાય છે અને ખેડૂતોના ગજવા પણ ભરાય છે. જો ખેતીની સાથે કઈક નવું કરવું હોય, તો મધમાખી ઉછેર શ્રેષ્ઠ વિકલ્પ છે.
