વિશ્વ સ્તનપાન સપ્તાહ-ICDS, રાજ્યના આશરે એક કરોડથી વધુ નાગરિકોને વિવિધ પ્રવૃતિઓ દ્વારા સ્તનપાન વિષે જાગૃત કરાશે
Live TV
-
સ્તનપાન અંગે જાગૃતિ લાવવાના આશયથી વિશ્વભરમાં પ્રતિ વર્ષ 1 થી 7 ઓગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહની ઉજવણીનું આયોજન વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ એક્શન (WABA) દ્વારા 1990-91માં કરવાનું નિયત કરાયું હતું. વાબા, માતાઓને સ્તનપાન માટે વધુ જાગૃત કરવા પ્રોત્સાહિત કરે છે. વાબા દ્વારા પ્રથમ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનું આયોજન, વર્ષ 1990-91 માં સત્તાવાર રીતે કરવામાં આવ્યું હતું જેમાં 70 દેશોએ નવી પહેલની ઉજવણી કરી હતી અને આજે વાબામાં કુલ 170 દેશોની ભાગીદારી નોંધાઈ છે.
વાબા (WABA) દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ વર્ષ 2023ની થીમ “સ્તનપાનને સુદ્રઢ કરવા-કામકાજ કરતાં માતાપિતા માટે યોગ્ય સુવિધા અને વાતાવરણ પૂરું પાડવું” નિયત કરવામાં આવી છે ("Let's make breastfeeding and work, work!"). જેનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય સુવિધાઓ સાથે કાર્યસ્થળોમાં મહિલાઓને સમર્થન આપવા વ્યાપક જાગૃતિ માટે કાર્યવાહી કરવી, માતાઓને પ્રસુતિ અધિકારો અને અન્ય સહાયક પગલાં વિશે માહિતગાર કરવા માટે હાલની યોજનાઓને વધુ મજબૂત કરવા જેવા વિષયો આવરી લેવાયા છે. જેથી વ્યવસાયિક માતાઓને સક્ષમ બનાવી શકાય.
સ્તનપાન સપ્તાહ વર્ષ 2023 દરમિયાન રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના સેવાઓ (આઈ.સી.ડી.એસ) દ્વારા આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં સ્તનપાનને સમર્થન આપવા માટે આશરે18 લાખથી વધુ નાગરિકો પ્રતિજ્ઞા લેશે, આશરે 7 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે સુપોષણ સંવાદ (મધર્સ ગ્રુપ મીટિંગ્સ), જન્મના એક કલાકની અંદર ધાત્રી માતાએ સ્તનપાન કરાવવા અંગે તેના પરિવારની આશરે 27 લાખથી વધુ મહિલાઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ ગામોની ડેરીઓના ૩૬ લાખ સહકારી સભ્યો સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતા અને નવજાત શિશુ માટે સ્તનપાનના ફાયદા, કુટુંબ(ખાસ કરીને પુરુષો) કેવી રીતે માતા દ્વારા સફળ સ્તનપાન કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તે માટેની જાગૃતતા, 6 માસ સુધી ફક્ત સ્તનપાનથી કુટુંબને શું ફાયદા થાય તે વિષે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આંગણવાડી કાર્યકરો દ્વારા ગ્રામજનોને વિશિષ્ટ સ્તનપાન અને તેનું મહત્વ, બાળક પર કોઈ પણ અન્ય પાવડર અથવા ફોર્મ્યુલા દૂધના ઉપયોગથી થતી ખરાબ અસર, સ્તનપાન માટે માતા અને બાળકને મદદ કરવામાં પરિવારના સભ્યોની ભૂમિકા વિષે વિવધ જિલ્લાઓના આંગણવાડી કેન્દ્રો પર પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્તનપાન અંગે જાગૃતતા કેળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ સ્તનપાનની વહેલી શરૂઆત, નવજાત બાળક અને માતા માટે છ મહિના સુધીનું વિશિષ્ટ સ્તનપાન અને કુટુંબના સભ્યો માતાને માનસિક રીતે ટેકો આપી શકે તે વિશે વિવિધ સમુદાયોમાં જાગૃતિ લાવવાનો છે. જે માટે સમગ્ર રાજ્યમાંથી આશરે એક કરોડથી વધુ નાગરિકોને આવરી લેવામાં આવશે.