વિસનગરમાં પોલીસ લોક દરબાર: 24 વર્ષથી ફરાર બેંક કૌભાંડી ઝડપાતા પોલીસનું સન્માન, ટ્રાફિક અને દારૂની બદી મુદ્દે ઉઠી માંગ
Live TV
-
વિસનગરના નાગરિકોએ રજૂ કરી વિવિધ સમસ્યાઓ, એસ.પી.એ આપી ત્વરિત કાર્યવાહીની ખાતરી
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) હિમાંશુ સોલંકી અને પોલીસ અધિક્ષક દિનેશ ચૌહાણની ઉપસ્થિતિમાં આજે વિસનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ પ્રસંગે આયોજિત લોક દરબારમાં વિસનગર શહેર અને તાલુકાના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
24 વર્ષથી ફરાર ઈનામી આરોપીની ધરપકડની સરાહના
લોક દરબાર દરમિયાન મહેસાણા પેરોલ સ્કોડ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સૌએ પ્રશંસા કરી હતી. વિસનગર નાગરિક સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી છેલ્લા 24 વર્ષથી ઉદયપુરમાં પૂજારી તરીકે છુપાઈ રહેલા મુખ્ય આરોપી નટવરલાલ પટેલને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો હતો. આ સફળ કામગીરી બદલ નાગરિકોએ મહેસાણા પોલીસનો આભાર માન્યો હતો.
લોક દરબારમાં ઉઠાવેલા મુખ્ય મુદ્દાઓ:
નાગરિકોએ શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાને લગતા અનેક પ્રશ્નો પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા:
-
ટ્રાફિક સમસ્યા: શહેરમાં વધતો ટ્રાફિક, સવાલા દરવાજા પાસે જામ થતી ભીડ અને આડેધડ પાર્કિંગની સમસ્યા દૂર કરવા માંગ.
-
નશા અને ગુનાખોરી: શાળા-કોલેજોની આસપાસ વેચાતી નશાકારક ચીજવસ્તુઓ, દારૂની બદી અને ખેડૂતોના કેબલની ચોરી અટકાવવા કડક પગલાં.
-
સુરક્ષા અને વ્યવસ્થા: ઈમરજન્સી વાન માટે સિવિલ હોસ્પિટલ પાસે ખુલ્લી જગ્યા, સીસીટીવી કેમેરાનું નેટવર્ક, બિનઅધિકૃત રીતે 'પ્રેસ' લખેલા વાહનો પર પ્રતિબંધ અને આગામી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રજૂઆત.
પોલીસ તંત્રની ખાતરી:
એસ.પી. હિમાંશુ સોલંકીએ નાગરિકોની સમસ્યાઓ સાંભળીને તેને સત્વરે ઉકેલવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નંબર પ્લેટ વગરના વાહનો અને બ્લેક ફિલ્મ ધરાવતી ગાડીઓ વિરુદ્ધ પોલીસ ખાસ ડ્રાઇવ યોજશે. ઉપરાંત, સીસીટીવી માટે સીએસઆર (CSR) ફંડના ઉપયોગ અને ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક પોલીસને જરૂરી સૂચનાઓ આપી હતી.
-
