Skip to main content
Settings Settings for Dark

સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે “શ્રાવણે શિવસપર્યા” વિષયક દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી યોજાશે

Live TV

X
  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના શિવતત્ત્વ અનુસંધાન પીઠ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત “શ્રાવણે શિવસપર્યા” વિષય પર તા. 17 અને 18 ઓગસ્ટ, 2026 દરમિયાન દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે કરવામાં આવશે.

    આ સંગોષ્ઠીના સંરક્ષક તથા અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિ છે. નિમંત્રક તરીકે કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા તથા આયોજક તરીકે પ્રભારી શોધનિયામક ડૉ. ડી.એમ. મોકરીયા માર્ગદર્શન પૂરું પાડશે. સંગોષ્ઠીના સંયોજક તરીકે શિવતત્ત્વ અનુસંધાન પીઠના સહાયકાચાર્ય ડૉ. મંગલવર્ધનદાસ સાધુ તથા સહ-સંયોજક તરીકે શોધ-સહાયક શ્રી ભાવિનકુમાર કે. પંડ્યા જવાબદારી નિભાવશે.

    શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના, ઉપાસના અને ભક્તિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને આયોજિત આ રાષ્ટ્રીય સંગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ શિવતત્ત્વ, શિવભક્તિ, શૈવ પરંપરા, સંસ્કૃત વાઙ્મય અને ભારતીય જ્ઞાનપરંપરામાં શિવના વિવિધ સ્વરૂપોનું શાસ્ત્રીય અને સંશોધનાત્મક અધ્યયન કરવાનો છે.

    સંગોષ્ઠીમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી સંસ્કૃત, દર્શન, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, કલા, સ્થાપત્ય અને ભારતીય જ્ઞાનપરંપરાના વિદ્વાનો તથા સંશોધકો ભાગ લેશે અને પોતાના સંશોધનપત્રો રજૂ કરશે. તેમાં શિવસ્તોત્ર સાહિત્યમાં શિવસ્વરૂપ અને શિવભક્તિ, સંસ્કૃત વાઙ્મય તથા સ્તોત્ર સાહિત્યમાં શિવતત્ત્વ, શ્રાવણમાં શિવ આરાધના, વેદો તથા શૈવ આગમમાં શિવતત્ત્વ, શૈવ સાહિત્ય અને યોગ, શૈવ સાહિત્યમાં વિજ્ઞાન, ગુજરાતના લોકજીવન અને સ્થાપત્યકલામાં શિવ આરાધના, ભારતીય જ્ઞાનપરંપરામાં શિવ સાહિત્યનું યોગદાન, પ્રભાસક્ષેત્ર અને શિવ આરાધના જેવા વિવિધ વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવશે.

    આ ઉપરાંત ચોસઠ કલાઓમાં શિવતત્ત્વ, પ્રાચીન શસ્ત્રવિદ્યાઓમાં શિવતત્ત્વ, સોમનાથ મંદિરની શહીદગાથા અને ઐતિહાસિક દસ્તાવેજોના સંદર્ભમાં સોમનાથની ભવ્યતા તથા દ્વાદશ જ્યોતિર્લિંગ કથામાં ભક્તિસ્વરૂપ જેવા વિષયો પણ સંગોષ્ઠીના સંશોધન અને વિચારવિમર્શના કેન્દ્રમાં રહેશે.

    આ રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં ભાગ લેવા માટે કોઈ નોંધણી શુલ્ક લેવામાં આવશે નહીં. શ્રાવણ માસમાં ભગવાન સોમનાથ પ્રત્યેની શ્રદ્ધારૂપે આ સંગોષ્ઠીને નિઃશુલ્ક રાખવામાં આવી છે. મુખ્ય વિષય સાથે સંબંધિત અન્ય સંશોધનાત્મક વિષયો પર પણ સંશોધનપત્રો આમંત્રિત કરવામાં આવ્યા છે.

    આ દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી દ્વારા સોમનાથની પવિત્ર ભૂમિ પર શિવતત્ત્વના શાસ્ત્રીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિમાણોનું વિશદ મંથન થશે તથા શૈવ પરંપરા અને ભારતીય જ્ઞાનપરંપરાના સંશોધનને નવી દિશા મળશે.

    આ દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો ઉદ્ઘાટન સમારોહ તા. 17 ઓગસ્ટ, 2026ના સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના “પ્રભાસ જ્યોતિ” શૈક્ષણિક ભવનમાં યોજાશે. ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ કરશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રો. કશ્યપ ત્રિવેદી, અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, ભુજ ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ અતિથિ તરીકે પ્રો. હરિભાઈ કાતરિયા, કુલપતિ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા તથા પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ઉપસ્થિત રહી ઉદ્ઘાટન પ્રસંગે પોતાના વિચારો રજૂ કરશે. સારસ્વત અતિથિ તરીકે પ્રો. દિનેશ રસાળ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષા વિભાગ, સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી, પુણે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા નિમંત્રકરૂપે, આયોજક તથા પ્રભારી શોધનિયામક ડૉ. ડી.એમ. મોકરીયા, માર્ગદર્શકરૂપે પ્રિ. નરેન્દ્રકુમાર પંડ્યા, સંગોષ્ઠીના સંયોજક ડૉ. મંગલવર્ધનદાસ સાધુ, સહ-સંયોજક ભાવિનકુમાર કે. પંડ્યા સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, અધ્યાપકો, શોધાર્થીઓ અને વિદ્વાનો ઉપસ્થિત રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply