સરદાર @150 : આધુનિક અમદાવાદના શિલ્પી સરદાર પટેલ
Live TV
-
‘યુનિટી માર્ચ’ સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા લોહપુરુષના અદ્વિતીય યોગદાનને યાદ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યભરમાં રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની ભવ્ય ઉજવણી થઇ રહી છે. લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યભરમાં ‘યુનિટી માર્ચ’ સહિતના અનેક પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ ઉજવણી માત્ર સરદારના દેશ માટેના અદ્વિતીય યોગદાનને યાદ કરવા પૂરતી સીમિત નથી, પરંતુ તેમના આદર્શોને વર્તમાન પેઢી માટે પ્રેરણાસ્રોત બનાવવાનો પણ એક અવસર છે. આઝાદી પૂર્વેના ભારતમાં, જ્યાં સરદાર પટેલની ઓળખ ખેડૂતોના મસીહા, બારડોલી સત્યાગ્રહના આગેવાન અને દેશી રજવાડાઓના વિલીનીકરણના મહાનાયક તરીકે પ્રસ્થાપિત થઈ, ત્યાં તેમના જાહેર જીવનનો પાયો ગુજરાતના આર્થિક - સાંસ્કૃતિક પાટનગર અમદાવાદમાં નંખાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમનો કાર્યકાળ આજના સ્વચ્છ, સુનિયોજિત અને સુશાસિત નગરતંત્ર માટે એક માર્ગદર્શક દીવાદાંડી સમાન છે. તેમણે અહીંથી જ પ્રશાસકીય નેતૃત્વના પાઠ શીખ્યા અને એક કુશળ વહીવટકર્તા તરીકેની પોતાની છાપ છોડી, જેનો વારસો આજે પણ જીવંત છે.
સરદાર વલ્લભભાઈ પટેલના અમદાવાદ સાથેના રાજકીય સંસ્મરણો
અમદાવાદના જાહેર જીવનમાં સરદાર પટેલના નેતૃત્વની નિર્ણાયક ક્ષણ 9 ફેબ્રુઆરી,1924 ના રોજ આવી. ઈતિહાસની તવારીખમાં આ તારીખનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ દિવસે અમદાવાદ મ્યુનિસિપાલિટીના નવા ચૂંટાયેલા બોર્ડની સૌપ્રથમ બેઠકમાં સરદાર વલ્લભભાઈ પટેલ 53 વિરુદ્ધ બે મતની જંગી બહુમતીથી મ્યુનિસિપલ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણી બે વર્ષ બાદ યોજાઈ હતી, કારણ કે 9 ફેબ્રુઆરી 1922ના રોજ મ્યુનિસિપાલિટીને સસ્પેન્ડ કરવામાં આવી હતી. 30 જાન્યુઆરી 1924ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 48 પ્રજાનિયુક્ત સભ્યો ચૂંટવા માટે સ્પર્ધા હતી. અગાઉ ત્રણ-ત્રણ વખત દરિયાપુર વોર્ડથી ચૂંટાનારા સરદારે આ વખતે ખાડિયા વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. પ્રમુખ બન્યા બાદ સરદારે વહીવટી પ્રણાલીમાં મૂળભૂત પરિવર્તન લાવીને આ પદની ગરિમા અને ગૌરવમાં વધારો કર્યો. વર્ષોથી અંગ્રેજીમાં ચાલતો વહીવટ તેમણે સામાન્ય પ્રજા માટે સરળતાથી સમજાય તે રીતે ગુજરાતી ભાષામાં શરૂ કરાવ્યો હતો.પ્રજાની મ્યુનિસિપાલિટી અને સુનિયોજિત વિકાસ
સરદારના આગમન પહેલાં, મ્યુનિસિપાલિટીમાં સામાન્ય પ્રજાજનોનો પ્રવેશ લગભગ અશક્ય ગણાતો હતો, પરંતુ સરદાર પટેલના કાર્યકાળમાં આ પરિસ્થિતિ બદલાઈ. સામાન્ય નાગરિક કોઈ પણ ખચકાટ વિના પોતાની નાનકડી સમસ્યા સાથે પણ સરદારને મળી શકતો, જ્યાં સરદાર તેમને શાંતિથી સાંભળતા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા. આમ ખરા અર્થમાં મ્યુનિસિપાલિટી ‘પ્રજાની મ્યુનિસિપાલિટી’ બની. સરદાર પટેલે મ્યુનિસિપલ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા સાથે વહીવટી પ્રક્રિયાઓને ઝડપી અને પારદર્શક બનાવી.
અમદાવાદનો વિકાસ કરવા માટે સરદાર પટેલે વિવિધ યોજનાઓનો મક્કમતાપૂર્વક અમલ કરાવ્યો હતો. અમદાવાદને એક આધુનિક શહેર બનાવવા માટે ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ લાગુ કરાવવામાં પણ તેમની ભૂમિકા નિર્ણાયક રહી હતી. તેમના માર્ગદર્શનમાં કોટની ચાર દીવાલમાં વસતા અમદાવાદનો વિકાસ કરવા માટે એલિસબ્રિજ અને મણિનગરની ટાઉન પ્લાનિંગ સ્કીમ રજૂ કરવામાં આવી હતી. સરદાર પટેલે કોર્પોરેશન હેઠળની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધાર્યો અને ગુણવત્તા સુધારવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, શહેરમાં ગીચ વસવાટને કારણે ફેલાતા રોગચાળાને ડામવા માટે સરદારના નેતૃત્વમાં ૨૨૨ દિવસ સુધી યુદ્ધના ધોરણે સાફસફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશની પ્રશંસા ખુદ મહાત્મા ગાંધીએ પણ કરી હતી.ક્રાંતિકારી પહેલ અને આપત્તિ વ્યવસ્થાપનનો વારસો
મ્યુનિસિપલ પ્રમુખ તરીકે સરદાર પટેલે કેટલીક ક્રાંતિકારી પહેલ પણ કરી હતી. તેમણે વર્ષોથી રિપન હોલ તરીકે ઓળખાતા સભાખંડનું નવસંસ્કરણ કરીને તેને ગાંધી હોલ નામ આપ્યું. 24 ઓગસ્ટ 1924ના રોજ, તેમણે ગાંધીજીનું સૌપ્રથમ નાગરિક સન્માન કરવાનું માન અમદાવાદ મ્યુનિસિપાલિટીને અપાવ્યું. એટલું જ નહીં, ગુજરાતની સૌપ્રથમ અને ભારતની બીજી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અમદાવાદના કોચરબ જેવા પરાં વિસ્તારમાં સાકાર થઈ. સરદારના સૂચનથી, તેના નિર્માણમાં પ્રીતમરાય દેસાઈના પ્રયાસોને સન્માન આપવા માટે ધી બ્રહ્મક્ષત્રિય કો ઓ હાઉસિંગ સોસાયટીનું નામ પ્રીતમનગર રાખવામાં આવ્યું. આ જ પ્રીતમનગરની પ્રેરણાથી ખેડા જિલ્લામાં દૂધ ઉત્પાદકોએ નાના પાયા પર દૂધ ઉત્પાદક મંડળી રચી, જે આગળ જતાં વિશ્વવિખ્યાત સહકારી સંસ્થા અમૂલ તરીકે પ્રસિદ્ધિ પામી. સરદાર પટેલની વહીવટી ક્ષમતાનો અનુભવ જુલાઈ 1927માં પણ થયો, જ્યારે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે વ્યાપક તારાજી થઈ હતી. સરદાર એ સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હોવાની સાથે સાથે ગુજરાત પ્રાંતિક સમિતિના પણ પ્રમુખ હતા. તેમણે અને તેમના સાથીઓએ સેવાભાવનાથી જે રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું, તેનો અનુભવ સ્વતંત્રતા પૂર્વે સમગ્ર દેશવાસીઓને થયો હતો.આમ, સરદાર વલ્લભભાઈ પટેલનો અમદાવાદ મ્યુનિસિપાલિટીનો કાર્યકાળ માત્ર એક ઇતિહાસ નથી, પરંતુ સુશાસનનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વકીલાતના વૈભવી જીવનનો ત્યાગ કરીને સામાન્ય નાગરિકોના હિત માટે જે પ્રતિબદ્ધતા દર્શાવી, તે પ્રેરણારૂપ છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ દ્વારા શહેરના ભવિષ્યને સુરક્ષિત કરવાનો તેમનો દૃષ્ટિકોણ તથા 1927ના પૂર જેવી આફતોમાં તેમનું અડીખમ નેતૃત્વ સહિતના તમામ સંસ્મરણો અમદાવાદના વિકાસની ગાથામાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે.
સરદારની 150મી જન્મજયંતી નિમિત્તે, આપણે તેમના આ વારસાને યાદ કરીએ અને સમજાવટ, એકતા અને કર્મઠતાના આદર્શોને આપણા જાહેર જીવનમાં અપનાવીએ – એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
