સાયન્સ સિટીમાં 'નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે'નો ભવ્ય પ્રારંભ
Live TV
-
ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં 'નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સ'નો વિધિવત પ્રારંભ થયો છે.
ગુજકોસ્ટ (GUJCOST) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) દ્વારા આયોજિત આ બે દિવસીય (19 અને 20 મે 20convert) રાષ્ટ્રીય વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ દેશના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલા સ્થાનિક ઇનોવેટર્સ અને તેમના પાયાના સંશોધનોને દેશના મુખ્ય પ્રવાહ અને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવાનો છે.ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, ભારત પાસે અદ્ભુત માનવ સંસાધન છે અને દેશના અડધાથી વધુ સફળ સ્ટાર્ટઅપ્સ આજે ટીયર-2 અને ટીયર-3 શહેરોમાંથી આવી રહ્યા છે. આપણી મુખ્ય જવાબદારી ઘરો કે નાના પરિવારો સુધી સીમિત રહેલા આ પાયાના સંશોધનોને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગો સાથે જોડીને વૈશ્વિક સ્તરે પહોંચાડવાની છે. પીએમ વિશ્વકર્મા યોજના જેવી પહેલો થકી પરંપરાગત હુનરને નવી ટેકનોલોજી સાથે જોડીને પ્રાદેશિક અસમાનતા દૂર કરી શકાય છે, જે વર્ષ 2047 ના વિકસિત ભારતના નિર્માણમાં ચાવીરૂપ સાબિત થશે.
ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. આપણા ખેડૂતો, માતા-બહેનો અને પરંપરાગત કારીગરોના પાયાના સંશોધનો માનવ જીવનને સરળ બનાવે છે. પાટણના પટોળા અને સુરેન્દ્રનગરના વણાટકામ જેવી પરંપરાગત કલાને આધુનિક ડિઝાઇન ઇન્ટરવેન્શન તથા માર્કેટ લિંકેજ પૂરું પાડવું અનિવાર્ય છે. આનાથી સ્થાનિક સ્તરે રોજગારી વધશે, શહેરો તરફનું સ્થળાંતર અટકશે અને દેશના જીડીપી (GDP)માં પણ મોટો ફાયદો થશે.
આ વર્કશોપમાં નીતિ આયોગના પૂર્વ સભ્ય ડૉ. વી. કે. સારસ્વત, પ્રો. આશુતોષ શર્મા અને પ્રો. અનિલ સહસ્રબુદ્ધે સહિત દેશભરની વિવિધ સ્ટેટ સાયન્સ કાઉન્સિલના મેમ્બર્સ, અગ્રણી ટેકનોલોજી ઇન્ક્યુબેટર્સના પ્રતિનિધિઓ તેમજ વૈજ્ઞાનિકો મળીને આશરે 200 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. બે દિવસ દરમિયાન એગ્રીકલ્ચર, વોટર કન્ઝર્વેશન, હેલ્થકેર અને ક્લાઈમેટ રેઝિલિયન્સ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક સ્તરે થતા નવતર પ્રયોગોના આઇડેન્ટિફિકેશન, આઇપીઆર પ્રોટેક્શન અને સ્કેલિંગ માટે એક મજબૂત રોડમેપ તૈયાર કરવામાં આવશે.
