સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંકે ૪૫૧ અજાણ્યા નવજાત શિશુઓને આપ્યું નવજીવન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. મધર્સ ડે ના પવિત્ર અવસરે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંક' માતૃત્વની કરુણા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સતત પ્રોત્સાહનથી આ મિલ્ક બેંક આજે અનેક નબળા અને અધૂરા માસે જન્મેલા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
સિવિલ હોસ્પિટલની 'માં વાત્સલ્ય' મિલ્ક બેંકના ઇન્ચાર્જ ડૉ. સુચેતા મુનશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, "માતાનું ધાવણ એ નવજાત શિશુ માટે અમૃત સમાન છે. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે શરૂ થયેલી આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં ૨૦૪૨ માતાઓએ પોતાના સંતાનોની સાથે સાથે અન્ય જરૂરિયાતમંદ બાળકો માટે પણ ધાવણનું દાન કર્યું છે.મા વાત્સલ્ય મિલ્ક બેંક' માં કુલ ૪૩૪ લીટર ધાવણ દાનમાં મળ્યું છે, જેના કારણે ૪૫૧ નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે."
પ્રેરણાદાયી માતાઓની કહાની
મંજુલા બેનના બાળકને લોહીમાં ગંભીર ચેપ લાગ્યો હતો અને આંતરડામાં અવરોધ સર્જાતા ઓપરેશન કરવું પડ્યું હતું. બાળકને ૩૨ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ કઠિન સમયમાં પણ મંજુલાબેને કુલ ૨૪ લીટર ધાવણનું દાન કરી અન્ય નવજાત બાળકોને જીવનનો સહારો આપ્યો હતો.
કૃષ્ણાબેનની બેબી ખૂબ ઓછા વજન અને અધૂરા માસે જન્મી હતી. બાળકને લાંબા સમય સુધી વિશેષ સારવારની જરૂર પડી. બાળકને ૪૦ દિવસ બાદ રજા મળી હતી. આ સમયગાળા દરમિયાન કૃષ્ણાબેને ૨૪ લીટર ધાવણનું દાન કર્યું હતું
પુનિતાબેન ને જોડિયા બાળકોનો જન્મ થયો હતો. બંને બાળકો અધૂરા મહિને જન્મ્યાં હોવાથી અત્યંત નબળાં હતાં. છતાં માતૃત્વની અનોખી ભાવનાથી પુનિતાબેને પ્રથમ ૪૦ દિવસમાં પોતાના બાળકો ઉપરાંત ૧૩ લીટર ધાવણનું દાન કર્યું હતું. આજે પુનિતાબેનના બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે.
પૂજા પટેલ ને ૮૧૫ ગ્રામ જેટલા ખૂબ ઓછા વજન સાથે તેમજ અધૂરા મહીને બાળકનો જન્મ થયો હતો. બાળકને NICU માં દાખલ કરી ઇન્જેક્શન સર્ફેક્ટન્ટ ની સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને ૧૨ દિવસ સુધી CPAP સપોર્ટ ઉપર રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન, પૂજાબેને NICU માં રહી, મિલ્ક બેંકમાં નિયમિતપણે સ્તન દૂધ કાઢી બાળકને પોષણ પૂરું પાડ્યું હતું. આ સાથે પૂજાબેને દરરોજ લગભગ ૧૦-૧૨ કલાક કાંગારૂ મધર કેર (KMC) પણ બાળકને પૂરી પાડી, જેથી બાળકને સતત હૂંફ અને સ્થિર વિકાસ થતા બાળકમાં સુધારો અને સતત વજનમાં વધારો જોવા મળ્યો. આવી લાંબી અને પડકારજનક NICU સારવાર પછી, બાળકને ૪૪મા દિવસે ૧.૨૫ કિલો વજન થઈ સ્વસ્થ થતા રજા આપવામાં આવી.
મધર્સ ડે નિમિત્તે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આ તમામ દાતા માતાઓને સલામ કરતા જણાવ્યું કે, આ સેવા માત્ર આરોગ્ય લક્ષી નથી, પરંતુ માનવતાનું જીવંત ઉદાહરણ છે. સરકારના પ્રયાસો અને સમાજની આ સંવેદનાને કારણે આજે સેંકડો બાળકો સ્વસ્થ જીવન તરફ ડગ માંડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બી. જે. મેડિકલ કોલેજ એલમ્ની એસોસિએશન તથા પંડ્યા ફાઉન્ડેશનના સહયોગથી સ્થાપિત આ બેંક ખાસ કરીને એવા બાળકો માટે વરદાન છે. જેમની માતા બીમાર હોય અથવા કોઈ કારણસર સ્તનપાન કરાવી શકતી ન હોય તેમના માટે મા વાત્સલ્ય મિલ્ક બેંક કાર્યરત છે. માતાના દૂધના કારણે જ નવજાત બાળકમાં રોગપ્રતિકારક શક્તિ તેમજ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
