'સુજલામ સુફલામ જળ અભિયાન': રાજ્યની જળ સંગ્રહશક્તિમાં 20,789 લાખ ઘન ફૂટનો વધારો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'કેચ ધ રેઈન' અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં પાણીના સંગ્રહનો વ્યાપ વધારવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના ઉમદા આશય સાથે ચલાવવામાં આવતું 'સુજલામ સુફલામ જળ અભિયાન' જનભાગીદારી થકી એક જ્વલંત લોકઆંદોલન બની ચૂક્યું છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, 'આ વર્ષે 'સુજલામ સુફલામ જળ અભિયાન' થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં 20,789 લાખ ઘન ફૂટનો વધારો થયો છે. જ્યારે છેલ્લા 8 વર્ષમાં રાજ્યની જળ સંગ્રહશક્તિમાં રેકોર્ડબ્રેક કુલ 1,38,039 લાખ ઘન ફૂટ જેટલો વધારો નોંધાયો છે. પાણી બચાવવા અને તેનો બગાડ અટકાવવા માટે લોકમાનસમાં જાગૃતિ આવે તેવી દીર્ઘદ્રષ્ટિ સાથે છેલ્લા 08 વર્ષથી આ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યું છે.'
જળ સંપત્તિ મંત્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 23 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતેથી આ અભિયાનનો રાજ્યવ્યાપી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના કુશળ માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં મે 2026 સુધીમાં જુદા જુદા વિભાગોના સંકલનથી કુલ 13,315 કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત પરંપરાગત જળ સ્ત્રોતોના નવીનીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના 3,661 કામો તથા ચેકડેમ રીપેરીંગના 1,160 કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 626 કિ.મી. લંબાઈમાં નહેરો તથા 1,277 કિ.મી. લંબાઈમાં કાંસોની સાફસફાઈ કરવામાં આવી છે. આ કામો થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં 20,789 લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે. આ સાથે શ્રમિકો માટે અંદાજે 2.30 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે.
જળ સંપત્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાનને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના 6 મુખ્ય વિભાગો - જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ, વન અને પર્યાવરણ, શહેરી વિકાસ, ગ્રામ વિકાસ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. એકસાથે મળીને કામગીરી કરી રહ્યા છે. આ કામોની મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે, જેમાં લોકભાગીદારી, મનરેગા યોજના અને વિભાગીય રીતે પૂર્ણ કરવામાં આવે છે.મંત્રીએ આ અભિયાનની સિદ્ધિઓ જણાવતાં કહ્યું હતું કે, લાંબાગાળાના આયોજન અને સખત પરિશ્રમના પરિણામે છેલ્લા 8 વર્ષમાં કુલ 1,12,635 કામો હાથ ધરવામાં આવ્યા હતા. જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવા તેમજ નવા તળાવોના 39,770 કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના 26,873 કામો તથા ચેકડેમ રીપેરીંગના 7,810 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 80,793 કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફસફાઇના કામો હાથ ધરવામાં કરવામાં આવ્યા હતા, જેના થકી જળ સંગ્રહશક્તિ ક્ષમતામાં કુલ 1,38,039 લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે જેમાં 206.73 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે.
