સુરતની નવી સિવિલને મળ્યું રુ.12 કરોડના ખર્ચે મળ્યું 'ચમત્કારી' મશીન
Live TV
-
સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં આશરે ₹12 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક 'બાયપ્લેન કેથ લેબ' કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં ₹50 હજાર સુધીના ખર્ચે થતી હૃદય, મગજ અને રક્તવાહિનીઓની જટિલ સારવાર હવે સામાન્ય અને ગરીબ દર્દીઓને અહીં તદ્દન મફત મળશે. દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્રાંતિ છે.
અત્યાધુનિક સુવિધા શરૂ થતાં જ ન્યૂ સિવિલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર ઈમ્પ્લાન્ટેશન અને ઈમરજન્સી સ્ટ્રોક જેવી કટોકટીભરી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે. ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા હજારો પરિવારો માટે આ પહેલ મોટી આર્થિક રાહત અને નવજીવનની આશા લઈને આવી છે.
મગજના સ્ટ્રોક દરમિયાન રક્તવાહિનીઓમાં અવરોધ આવવાથી શરીરના અંગો કામ કરતાં બંધ થઈ જાય છે. આવી ગંભીર સ્થિતિમાં આ મશીન ત્વરિત અને સચોટ નિદાન કરી દર્દીનો જીવ બચાવે છે. ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ અંતર્ગત કાર્યરત આ સિસ્ટમ ઓપરેશનને વધુ સુરક્ષિત બનાવે છે અને ભવિષ્યની જટિલતાઓનું જોખમ ઘટાડે છે.
આ ટેકનોલોજીની મદદથી ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના, અત્યંત નાના કાપા દ્વારા જ નસોના બ્લોકેજ ખોલીને રક્તપ્રવાહ સામાન્ય કરી શકાય છે, તેમજ રક્તસ્ત્રાવ અટકાવી શકાય છે. ઘરઆંગણે જ વૈશ્વિક સ્તરની મફત તબીબી સુવિધા મળવાથી હવે દર્દીઓને અન્ય મોટા શહેરો તરફ દોડવું નહીં પડે, જે ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓને નવી મજબૂતી આપશે.
