સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ અંતર્ગત તા.1 થી 5 મે દરમિયાન 'મેન્ગો ફેસ્ટિવલ' અને પ્રદર્શન યોજાશે
Live TV
-
સુરતમાં તા.1 અને 2 મે-2026 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ યોજાશે, જેના ભાગરૂપે રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા.1 થી 5 મે દરમિયાન ઓરો યુનિવર્સિટી, હજીરા રોડ ખાતે 'મેન્ગો ફેસ્ટિવલ' યોજાશે.
જેમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 40 થી 50 ખેડૂતો પોતાની ઉત્તમ ગુણવત્તાની પ્રાકૃતિક કેરીનું પ્રદર્શન સહ વેચાણ કરશે. સુરતવાસીઓ ઓરો યુનિવર્સિટીના ડોમ નં.3માં ખેડૂતો પાસેથી સીધી જ કાર્બાઈડમુક્ત, શુદ્ધ, પ્રાકૃતિક અને સ્વાદિષ્ટ કેરી ખરીદી કરી શકશે.કેરીના વેચાણની સાથે સાથે તા. 1લી મે ના રોજ વિવિધ પ્રદર્શન અને સેમિનારને ખુલ્લા મૂકાશે. પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોમાં થતી આંબાની વિવિધ જાતો ઉપરાંત કેટલીક વિદેશી આંબાની જાતોનું પણ નિદર્શન કરાશે. ખેતીવાડી ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે તા.1લી મે ના રોજ બપોરે 4:00 થી 5:30 કલાક દરમિયાન બાગાયતી ખેતીના વિવિધ વિષયો પર એક વિશેષ સેમિનાર પણ યોજાશે. કુદરતી રીતે પાકેલી કેરીનો સ્વાદ માણવા માટે સુરતની જનતાએ અચૂક મુલાકાત લેવા અને વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, અઠવાલાઇન્સ, ફોન નં.:0261-2655948 ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે.
