સુરતમાં CMએ કોર્પોરેટર્સ સાથે યોજી બેઠક, મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન તેમને પાલિકાની ICCC બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યત્વે ખાડી પૂર, ટીપી સ્કીમ અને જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ખાડી પૂરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે. આ માટે બોક્સિંગ, સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવાયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે બે તબક્કામાં બેઠકો યોજી હતી. પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ, તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક યોજી હતી. ત્યાર બાદ 435.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી 73 કરોડના કામોનું લોકાર્પણ અને 362.45 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યા હતાં.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ, નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદો, ધારાસભ્યો સહિત મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
