સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી મોડેલને સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Live TV
-
સુરત ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના ખેડુતો અને જિલ્લા નોડલ અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તે માટે બેઠક યોજી સંવાદ કર્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે આયોજિત બેઠકમાં રાજયપાલએ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સુરત જિલ્લાના ખેડૂતો અને અધિકારીઓ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા હોવાનું જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પર ભાર મૂકતા જણાવ્યું કે, સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી મોડેલને સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનાને સાકારિત કરી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે
દિશામાં સમગ્ર રાજ્યમાં મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યમાં નવી યોજના અમલમાં મુકવામાં આવનાર હોવાની વિગતો આપતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, 10 ગામ દીઠ એક માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવશે. આ ટ્રેનરને સરકાર મહેનતાણું ચૂકવશે.માસ્ટર ટ્રેનર પોતાના ગામોમાં ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમબદ્ધ કરશે. વેચાણ વ્યવસ્થા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 10 ગામ દીઠ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે ટાઉન કે ગામ નક્કી કરી ખેડૂતો પોતાના પાકોનુ વેચાણ કરી શકે તે માટેની બજાર
વ્યવસ્થા ઉભી કરવા માટે આયોજન કરવામાં આવશે. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરતા ખેડુતો પ્રથમ વર્ષે 8 થી 10 કિવન્ટલ સુધી જીવામૃત, ઘનજીવામૃતના ઉપયોગથી કોઇ નુકસાન નથી. તેનાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે. આ ઉપરાંત રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીક્ષેત્રે આવેલા બદલાવ અંગેની વિગતો આપી હતી. બેઠકમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના કારણે ઓર્ગેનિક કાર્બનમાં થયેલ વધારો, શાકભાજીની ઉત્તમ ક્વોલિટી, પ્રાકૃતિક ખેતી પેદાશોના વધુ ભાવો મળ્યા છે.આ અવસરે જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર એન. જી. ગામીતે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં 10 ગામદીઠ બે માસ્ટર ટ્રેનર તૈયાર કરી ગામના ખેડુતોને તાલીમ આપવામા આવશે. હાલ સુરત જિલ્લામાં 19,000 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. 120 માસ્ટર ટ્રેનર દ્રારા ખેડુતોને ખેતી કરવા માટે તાલીમ આપવામાં આવી રહી હોવાની વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, દ. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કે.એન.ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન. જી. ગામીત, તથા જિલ્લા-તાલુકાના પ્રાકૃતિક ખેતીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.