સુરત જિલ્લાનું ધજ ગામ, ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ
Live TV
-
ગુજરાત ઈકોલોજી કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક અને સામૂહિક પ્રયાસોથી પર્યાવરણનું સંરક્ષણ કરતા ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી
સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ઊંચા પર્વતોની હારમાળા અને જગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ બન્યું છે. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ, પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યુ છે. રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ 2016માં ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરાયું હતું. આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે ડેવલપ કરાશે, એમ નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું.
પર્યાવરણ સુધારણા અને પદૂષણ નિયંત્રણનું કામ કરવા ગુજરાત ઈકોલોજી કમિશને ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધા પૂરી પાડી. કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક, સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે. નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું હતું કે, 2016માં ધજ ગામ ઈકો વિલેજ જાહેર થયા બાદ પર્યાવરણની જાળવણી માટે બાયોગેસ, ભૂગર્ભ જળ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સૌર ઊર્જા સંચાલિત સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ગામના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત્ત બને એવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. હાલ GEC (ગુજરાત ઈકોલોજીકલ કમિશન)નું વન વિભાગ સાથે મર્જર થયું છે. આગામી સમયમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે વિકસાવવામાં આવશે.
માંડવી ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર રવિન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, માંડવી ઉત્તર રેન્જનો કુલ કાર્યવિસ્તાર 10 હજાર હેક્ટર છે. જેમાં 27 ગામડાઓ આવેલા છે. ગામના લોકો વન વિભાગ તરફથી સનદમાં મળેલ જંગલની જમીનમાં ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. ધજ ગામમાં ઘરે-ઘરે સોલાર લાઈટ, વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ જળ ટાંકા, ગોબર ગેસના યુનિટ અને સ્મશાન ગૃહ, મોબાઈલની ક્નેક્વિવિટી માટે ટાવર, પશુપાલન સાથે સંકળાયેલી મહિલા માટે દૂધમંડળી તેમજ ગામના ઘનકચરા માટે વર્ગીકૃત્ત ઘનકચરા યુનિટની સુવિધા વનવિભાગ દ્વારા મળી છે. ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો, અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કાર્યરત કરવામાં આવી છે. સમિતિના સભ્યો જંગલની જાળવણી કરે છે.
ઈકો વિલેજ એ કુદરતી, જૈવિક, નિર્જીવ તથા પારંપરિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોનો આર્થિક, સામાજિક વિકાસ કરવાની પહેલ છે. ગ્રામજનોની કુદરતી સંસાધનો પરથી નિર્ભરતા ઘટાડી તેમજ તેની જાળવણી દ્વારા ગામ, અને ગ્રામજનોને આર્થિક રીતે સદ્ધર કરી સંતુલિત વિકાસ સાધવો તથા ગ્રામ્ય સ્તરના આજીવિકાના સ્ત્રોતનું પુનઃ સ્થાપન-પુનઃજીવન કરવાનો હેતુ છે. જમીનને અનુકૂળ અને ઓછા પાણીની સિંચાઈથી થતો પાક, હાઈબ્રીડ જાત અને સ્થાનિક બીજનો ઉપયોગ કરવો, સાથોસાથ ખેતીમાં ટપક પદ્ધતિથી સિંચાઈ, ઈકો પેસ્ટીસાઈડના ઉપયોગથી પર્યાવરણને અનુકૂળ એવી સજીવ ખેતીને પ્રોત્સાહન, ઘર અને ગામમાં ઉર્જાના સ્ત્રોત માટે બાયોગેસ, ગોબરગેસ, સૌર ઉર્જા તેમજ એલઈડીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા.
પશુપાલનના ઘાસચારા માટે કુદરતી સંસાધનો પરની નિર્ભરતા ઘટાડવા ઘાસ ડેપોની વ્યવસ્થા, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા તેમજ જળવિભાજન માટે ખેતતલાવડી અને તળાવનું નિર્માણ, કચરાના નિકાલ તેમજ તેના પુનઃઉપયોગ માટેની યોગ્ય વ્યવસ્થા કરાવવી એ આ પહેલનો ઉદ્દેશ છે. ભારતના મધ્યપ્રદેશનું ભગુવાર, તમિલનાડુનું ઓરોવિલે અને ઓડનથુરાઈ, નાગાલેન્ડનું ખોનોમા, રાજસ્થાનના પીપલાન્ત્રી અને આરનાઝારના, મહારાષ્ટ્રના ગોવર્ધન અને હિવારે બજાર, ઓડિશાનું સિદ્ધાર્થ, જમ્મુ કશ્મીરનું સાગ, ગુજરાતનું ધજ ગામ મોડેલ ઈકો વિલેજ છે.
