સુરત: '36મી નેશનલ ગેમ્સ-2022' ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન, ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સ્પર્ધકોને મેડલ એનાયત
Live TV
-
ગુજરાત નેશનલ ગેમ્સમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ટેબલ ટેનિસ પ્રદર્શન સાથે અગ્રેસર રહ્યું: ગૃહરાજ્યમંત્રી
ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે '36મી નેશનલ ગેમ્સ-2022'ના ટેબલ ટેનિસના વિજેતા સ્પર્ધકોને મેડલ એનાયત કરાયા હતા. સુરતમાં 20 થી 24 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ટેબલ ટેનિસ સ્પર્ધાના અંતિમ દિને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ (43-મહિલા અને 42- પુરૂષો) એ સાત સુવર્ણ ચંદ્રકો માટે પાંચ દિવસ સુધી સ્પર્ધા કરી. આ રમતમાં પુરૂષોની મિક્સડ ડબલ્સ, મહિલા ડબલ્સ, મિક્સડ ડબલ્સ (પુરુષો અને મહિલા), અને સિંગલ્સ (પુરુષ અને મહિલા)નો સમાવેશ થાય છે
ટોક્યો ઓલિમ્પિકના સહભાગીઓ શરથ કમલ, જી. સાથિયાન, મનિકા બત્રા અને સૂતિર્થા મુખર્જી સહિતના જાણીતા ખેલાડીઓએ પણ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગુજરાતની મેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. દિલ્હીએ સિલ્વર જ્યારે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મહિલા ટીમ ઈવેન્ટમાં પશ્ચિમ બંગાળે ગોલ્ડ, મહારાષ્ટ્રે સિલ્વર અને તેલંગાણા અને તમિલનાડુએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગુજરાત માટે ગર્વની ક્ષણ છે કે, સુરતના વતની હરમીત દેસાઈએ મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને મેન્સ ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો. અન્ય મેડલ મિક્સડ ડબલ્સમાં માનુષ શાહ અને કૃત્વિકા સિન્હા રોય (ગોલ્ડ), મેન્સ ડબલ્સમાં હરમીત દેસાઈ/માનવ ઠક્કર (બ્રોન્ઝ) અને મેન્સ ડબલ્સમાં માનુષ શાહ/ઈશાન હિંગોરાની (બ્રૉન્ઝ) એ જીત્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત નેશનલ ગેમ્સમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ટેબલ ટેનિસ પ્રદર્શન સાથે અગ્રેસર રહ્યું છે. સુરતના આંગણે ટેબલ ટેનિસની સ્પર્ધામાં ઉત્સાહના માહોલ સાથે દેશભરમાંથી આવેલા ખેલાડીઓએ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સાથે ભાગ લીધો હતો. જેમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ અને પ્રદર્શન નોંધનીય રહ્યું છે. દેશભરના ખેલાડીઓએ ગુજરાતની સંસ્કૃતિ અનુભવવા સાથે સુરતીઓની આગતા-સ્વાગતા, ખાનપાનનો આનંદ માણીને આયોજનની સરાહના કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર સ્પર્ધા દરમિયાન હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્પર્ધાને નિહાળી હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. ગૃહ રમતગમત મંત્રીએ વિગતો આપી હતી કે,આગામી 29 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીના હસ્તે અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનો વિધિવત પ્રારંભ થશે.
આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુ. કમિશનર બંછાનિધી પાની, પોલીસ કમિશનર અજય તોમર, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, સુડાના સી.ઈ.ઓ. વી.એન.શાહ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
