સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણના વિવિધ કામોને આયોજનબદ્ધ વેગ આપવાના હેતુથી જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ ગઈ. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કાર્યો સમયસર અને ગુણવત્તાસભર થાય તે સરકારની પ્રાથમિકતા છે. આ બેઠકમાં મુખ્યત્વે વર્ષ 2026-27ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત 15 % વિવેકાધીન તાલુકા તથા જિલ્લા કક્ષા (સામાન્ય અને અ.જા.), વિવેકાધીન નગરપાલિકા તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (ખાસ પ્લાન)ની જોગવાઈઓના 1993.36 લાખનાં ૫૫૫ જેટલા કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાંથી 1855.76 લાખનાં 518 જેટલા વિવિધ વિકાસલક્ષી કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગત વર્ષ ૨૦૨૫-૨૬ની વિવેકાધીન જિલ્લા કક્ષાની જોગવાઈઓના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા અને મંજૂર થયેલા પ્રકલ્પોની પ્રગતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત વર્ષ 2023-24 થી 2025-26 દરમિયાન મંજૂર થયેલા કામોના રદ/ફેરફાર, સ્થળ ફેરફાર કે ખૂટતા આયોજનને બહાલી આપવાની બાબતો પર ચર્ચા કરી યોગ્ય નિર્ણયો લેવાયા હતા. સાથોસાથ, સંસદસભ્યની જોગવાઈના કામો, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને એ.ટી.વી.ટી. (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) જોગવાઈ સહિતના મંજૂર થયેલા કામોની પ્રગતિની પણ મંત્રી દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી.આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, સર્વે ધારાસભ્ય શામજી ચૌહાણ, પી.કે.પરમાર, પ્રકાશ વરમોરા, તાલુકા પ્રમુખઓ, નગરપાલિકા પ્રમુખઓ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક મ્યુનિસિપલ કમિશનર જે. કે.જાદવ, નિવાસી અધિક કલેકટર વી.ડી.સાકરીયા, જિલ્લા આયોજન અધિકારી અલ્પેશ પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
