સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ પુનઃનિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના કાર્યક્રમમાં સહભાગી થશે. આ અંગેની જાણકારી આપતા તેમણે એક લેખમાં ભવ્ય અને દિવ્ય સોમનાથ ધામ પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આ અવસર આપણને સ્મરણ કરાવે છે કે આ પવિત્ર સ્થળની રક્ષા અને તેના પુનઃનિર્માણ માટે દેશની અનેક પેઢીઓએ કેવી રીતે સતત સંઘર્ષ કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે(8 મે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાનો લેખ શેર કર્યો હતો. તેમણે લખ્યું "પુનઃનિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ નિમિત્તે 11 મેના રોજ મને ફરી એકવાર ત્યાં જવાનું સૌભાગ્ય મળવાનું છે. આ અવસર આપણને યાદ અપાવે છે કે આ પાવનસ્થળના રક્ષણ માટે પેઢીઓએ બલિદાન આપ્યા છે."
પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે 2026ની શરૂઆતમાં યોજાયેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સામેલ થવું તેમના માટે એક મહત્વપૂર્ણ અનુભવ હતો, જે મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ લખ્યું, "હવે 11 મેના રોજ મને ફરીથી સોમનાથ જવાની તક મળી રહી છે. આ વખતે આ યાત્રા લોકાર્પણની 75મી વર્ષગાંઠ નિમિત્તે છે. હું એ ક્ષણને ફરીથી જીવવા જઈ રહ્યો છું જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. તે દિવસે સોમનાથમાં વિધ્વંસથી સર્જન સુધીની યાત્રા ફરી જીવંત થશે. છ મહિનાની અંદર સોમનાથના ઇતિહાસ સાથે જોડાયેલા આ બે મહત્વપૂર્ણ પડાવનો સાક્ષી બનવો એ મારા માટે સૌભાગ્યની વાત છે."
લેખમાં પ્રધાનમંત્રીએે સોમનાથને માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ભારતીય સભ્યતાના અતૂટ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે. તેમણે લખ્યું કે, સોમનાથના મોજાં આપણને શીખવે છે કે તોફાન ગમે તેટલું વિકરાળ હોય, મનુષ્યનું સાહસ અને આત્મબળ તેને ફરી બેઠું કરવાની શક્તિ ધરાવે છે.
તેમણે પ્રાચીન ગ્રંથોને ટાંકીને જણાવ્યું કે સોમનાથની પરિક્રમા પૃથ્વીની પરિક્રમા સમાન છે. પીએમ મોદીએ અનેક મહાન વિભૂતિઓ જેવી કે લકુલીશ, સોમ શર્મા, મહારાજ ધારસેન ચતુર્થ, ભીમ પ્રથમ, રાજા ભોજ, સિદ્ધરાજ જયસિંહ અને અહલ્યાબાઈ હોલ્કરના યોગદાનને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ 20મી સદીના પુનઃનિર્માણ આંદોલનમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી. તેમણે લખ્યું, "13 નવેમ્બર 1947ના રોજ દિવાળીના સમયે સરદાર પટેલે સોમનાથના જર્જરિત અવશેષો સામે ઊભા રહીને હાથમાં સમુદ્રનું જળ લઈ સંકલ્પ કર્યો હતો કે સોમનાથનું પુનઃનિર્માણ થશે. તેમના આ આહવાનથી સમગ્ર ભારતવર્ષમાં નવો ઉત્સાહ ભરાઈ ગયો હતો." તેમણે કે.એમ. મુન્શી અને જામસાહેબના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે કાર્યભાર સંભાળ્યો હતો તે સમયના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકાથી ભારત સરકાર 'વિકાસ પણ, વિરાસત પણ'ના મંત્ર સાથે આગળ વધી રહી છે. સોમનાથથી કાશી અને અયોધ્યાથી ઉજ્જૈન સુધી આધ્યાત્મિક કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.
અંતમાં પ્રધાનમંત્રી દેશવાસીઓને આગ્રહ કર્યો કે આ પવિત્ર અવસરે સોમનાથ ધામની મુલાકાત લે અને ભારતની અપરાજિત આત્માનો અનુભવ કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સોમનાથના કિનારે ઉભા રહીને દરેક ભારતીય સભ્યતાની એ શક્તિનો અનુભવ કરશે જે સદીઓથી ભારતનું બળ બની રહી છે.
