Skip to main content
Settings Settings for Dark

સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં “મંદિર, તીર્થ અને પરંપરા” વિષય પર સેમિનાર યોજાયો

Live TV

X
  • પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રિ-દિવસિય સોમનાથ મહોત્સવ અંતર્ગત શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સેન્ટર ઓફ આર્ટ્સ, વડોદરા અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના સંયુક્ત ઉપક્રમે “મંદિર, તીર્થ અને પરંપરા” વિષય પર સેમિનાર યોજાયો હતો.

    આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા શૈવ સ્થાપત્ય, શિવત્વ તેમજ શિવ મંદિરની વાસ્તુકલા અને શૈવ સાહિત્ય પર મનોમંથન કરી અને શૈક્ષણિક સત્રના માધ્યમથી વિદ્યાર્થીઓને સોમનાથ મંદિર અને તેના મહત્વ વિશેની જાણકારી આપવામાં આવી હતી.

    ઈન્દિરા રાષ્ટ્રીય કલાકેન્દ્રના ડીન પ્રતાપાનંદ ઝાએ જણાવ્યું હતું કે, "સોમનાથ મંદિર, તીર્થ અને પરંપરા" વિષય નો ઉદ્દેશ વિભિન્ન પરિમાણિય દ્વારા શૈવ ધર્મની સમૃદ્ધ પરંપરાઓનું અન્વેષણ કરવાનો છે. તીર્થનો મતલબ છે પૂણ્યસ્થાન. જે સ્થાનમાં પવિત્રતાનો સંચાર થાય અને જેના સંપર્કમાં આવવાથી પાપ નષ્ટ થાય અને પુણ્યનો ઉદય થાય છે, એ ખરા અર્થમાં તીર્થસ્થાન છે. સ્થાવર, જંગમ અને આત્મતીર્થમાં આત્મતીર્થ સૌથી ઉત્તમ છે. જ્યાં શરીર અને મનને શાંતિ મળે એ મંદિર છે. અપાર દેવત્વ ધરાવતી ભૂમિમાં શાંતિ પ્રાપ્ત થાય છે.

    મંદિરો સંસ્કૃતિનો આધાર લઈ નિર્માણ પામેલા છે. વિભિન્ન શૈલીના મંદિરોના આધારે જ શૈવ માન્યતાઓ, પરંપરાઓ અને ધાર્મિક પ્રથાઓ આકાર પામે છે. એમ કહી તેમણે દ્રવિડ, નાગર વગેરે શૈલીના મંદિરો વિશે છણાવટ કરી હતી.

    સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ લલિત પટેલે આ ભૂમિ હરિ અને હરની ભૂમિ છે. અહીં શિવત્વ અને દૈવત્વ સમાયેલું છે. શિવમંદિરની સ્થાપત્ય કલામાં સંસ્કૃતિ, પરંપરા અને કલાઓનું મૂર્તિરૂપ સમાયેલું છે. શિવમંદિર ઉપરાંત આ ભૂમિની પરંપરા સૂર્યમંદિરની પણ રહી છે. શિવ અને કૃષ્ણનું સાયુજ્ય આ ભૂમિને અનેરૂ સાંસ્કૃતિક સૌંદર્ય પૂરું પાડે છે. આમ કહી તેમણે આ સેમિનારના માધ્યમથી કળા, શાસ્ત્ર અને તીર્થના ત્રિવેણી સંગમનું તમામને આચમન પ્રાપ્ત થાય એવી શુભકામના વ્યક્ત કરી હતી.

    શૈક્ષણિક સત્રમાં સંસ્કૃત કાવ્યમાં શિવમંડન, શિવનું મહત્વ તેમજ શિવમંદિરની વાસ્તુકળા અને મલ્ટીમીડિયા ટેક્નોલોજી સહિતના વિષયો થકી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ત્રિ-દિવસિય સેમિનારમાં શૈવ પ્રથાઓ સાથે સંકળાયેલ તપસ્વી પરંપરાઓ, મંદિરની પૂજા અને તીર્થયાત્રાના માર્ગો જેવા વિષયોને આવરી લઈ શૈવ મંદિરોમાં વાસ્તુસ્થાપત્ય, માળખાકિય પ્રકારો, શિલ્પ તત્વો અને તેમના પ્રતીકાત્મક અર્થની તપાસ, શૈવવાદમાં સંગીત અને પ્રદર્શન પરંપરાઓ, વૈદિક મંત્રોચ્ચાર, તેવરમ સ્તોત્રો, વચનો અને તેમના ધાર્મિક મહત્વનું વિશ્લેષણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
apply