સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે 'ભારત પર્વ-2025'ની ભવ્ય ઉજવણી
Live TV
-
ભારતની અદ્ભુત સાંસ્કૃતિક વિવિધતાને એક જ આંગણે એકત્રિત કરતું 'ભારત પર્વ-2025' આ વર્ષે પહેલીવાર દિલ્હીના લાલ કિલ્લાની બહાર, ગુજરાતની ધરતી પર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી નજીક એકતા નગર ખાતે યોજાયો. આ પર્વ દેશના દરેક ખૂણેથી આવેલા કલાકારો, શિલ્પકારો, રસોઇયાઓ અને દર્શકો માટે એક જીવંત ઉજવણી બની રહ્યો છે.
ગુજરાતમાં આયોજિત આ કાર્યક્રમ બદલ ગૌરવ વ્યક્ત કરતાં રાજપીપળાના વતની હર્નિષા હિમાંશુ રાવે જણાવ્યું કે, “નરેન્દ્ર મોદીના વિઝનને લઈને ગુજરાતમાં ભારત પર્વની ઉજવણી થવી એ ગૌરવની બાબત છે. અહીં દરેક પ્રાંતની વાનગીઓ, નૃત્યો, લોકકળા, હસ્તકલા અને શિલ્પકલા બધું એક જ સ્થળે જોવા-માણવા મળ્યું, જે એક જીવંત ભારતની ઝલક છે.”ભારત પર્વમાં 'સ્ટુડિયો કિચન' વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં દરરોજ દેશના વિવિધ પ્રાંતોના માસ્ટરચેફ્સ પોતાની પ્રાંતની ખાણીપીણીની વિશિષ્ટ વાનગીઓ રજૂ કરે છે.
હર્નિષા રાવે ઉમેર્યું હતું કે, ગુજરાતના ફાફડા-જલેબી, ઢોકળા અને હાંડવોની સુગંધ વચ્ચે દક્ષિણ ભારતના ઇડલી-ઢોસા, ઉત્તર ભારતના છોલે-ભટુરે અને કાશ્મીરના રોગનજોશ જેવી લાજવાબ વાનગીઓ સ્વાદપ્રેમીઓને આકર્ષે છે.તેમણે વાનગીઓના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું કે, “અહીં દરેક વાનગી સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે. સાઉથ અને નોર્થના ફ્યુઝનથી બનેલી કેટલીક વાનગીઓ તો ખૂબ જ અનોખી લાગી. ખાણીપીણીમાં આ પ્રકારનો સમન્વય આજે સ્વસ્થ ભારતની દિશામાં એક નવો પ્રયાસ લાગે છે.”
“અહીં દરેક વાનગી પાછળ એક વાર્તા છે, પ્રદેશની ધરતીની સુગંધ, લોકોની સંસ્કૃતિ અને તેમની પરંપરાનો અહેસાસ કરાવે છે. લાઈવ કિચનમાં વાનગીઓ તૈયાર થતી જોવી એ પોતે જ એક કલાત્મક અનુભવ છે.”એકતા નગર ખાતે ભારત પર્વ લોકકલા, નૃત્ય અને સંગીતના તાલથી ગુંજી ઉઠ્યો છે.રાજસ્થાનની કઠપૂતળી કળા, પંજાબના ભાંગડા, ગુજરાતના ગરબા અને દક્ષિણ ભારતનું ભરતનાટ્યમ સૌએ પોતાની સંસ્કૃતિનો અહેસાસ કરાવ્યો હતો. અહીં વિવિધતામાં એકતાનું જીવંત દ્રશ્ય જોવા મળ્યું.
પ્રદર્શની સ્ટોલોમાં દેશભરની હસ્તકળા, વસ્ત્રો, શિલ્પો અને હેન્ડમેડ પ્રોડક્ટ્સએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાનના મીરરવર્કથી લઈને ઉત્તરપૂર્વના બાંસના હસ્તઉદ્યોગો અને કાશ્મીરી પાશ્મીનાની સુંદરતાએ ભારતની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરી છે.હર્નિષાએ અંતમાં કહ્યું કે, “સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ભારત પર્વનો અનુભવ એ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો રહ્યો છે. આ ભારત પર્વ ઉત્સવ ભારતીય એકતાનું પ્રતીક બન્યો છે. અહીં દરેક પ્રાંત, ભાષા અને સ્વાદ એક થઈને ભારતની આત્માને જીવંત કરે છે. સ્ટુડિયો કિચનમાં ભલે પ્રાંત અને વાનગીઓ અલગ હોય પરંતુ સ્વાદનો ભાવ એક છે – 'ભારતીય'.”એકતા નગર ખાતે આયોજિત ભારત પર્વ એ સ્વાદ, સંગીત, સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાનો એક અનોખો મેળો છે જ્યાં ભારત પોતે પોતાના રંગમાં ઝૂમે છે.
