સ્થાનિક સ્વરાજનો સંગ્રામ: લોકશાહીના પર્વને ઉજવવા અમદાવાદ સજ્જ
Live TV
-
મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાશે... ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો અને આરોગ્ય ટીમોની વિશેષ વ્યવસ્થા...
લોકશાહીના પર્વ એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ઉજવવા માટે અમદાવાદ સજ્જ છે... જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી... મતદારો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે... મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાશે... ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો અને આરોગ્ય ટીમોની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે...
સ્થાનિક સ્વરાજનો સંગ્રામ
અમદાવાદ જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આવતીકાલે તારીખ 26 એપ્રિલે મતદાન યોજાશે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે અમદાવાદના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા અપીલ કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, લોકશાહીમાં ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી પણ એક પર્વ છે, જેમાં નાગરિકોને પોતાના પ્રતિનિધિ પ્રત્યક્ષ રીતે ચૂંટીને સ્થાનિક વહીવટમાં સહભાગી થવાની અમૂલ્ય તક મળે છે. તેમણે અમદાવાદના તમામ જાગૃત મતદારોને વહીવટી તંત્રએ કરેલી સુવિધાઓનો લાભ લઈ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે વધુમાં કહ્યું કે, અમદાવાદની જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ત્રણ નગરપાલિકા વિસ્તારોમાં મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, તે માટે વ્યાપક વ્યવસ્થાઓ કરી છે. મતદારો તટસ્થ, નિષ્પક્ષ અને નીડર વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મતદારોને પોતાના મતદાન મથકની જાણકારી https://sec.gujarat.gov.in/ ની વેબસાઇટ પરથી સર્ચ કરી શકાશે
વધુમાં, હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકો પર મતદારો માટે પૂરતા પ્રમાણમાં છાંયડા (શેડ) અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે વિવિધ મતદાન મથકો પર મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમાં, મતદાનના નિર્ધારિત સમય મુજબ સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન દરેક નાગરિકો નજીકના મતદાન મથક પર જઈ, મતાધિકારનો ઉપયોગ કરવા પુનઃ અનુરોધ કરવામાં આવ્યો હતો.
