હવામાન વિભાગનું મોટું એલર્ટ
Live TV
-
હવામાન વિભાગનું મોટું એલર્ટ: આગામી 48 કલાક ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, વાવાઝોડા અને હીટવેવની આગાહી
હવામાન વિભાગ (IMD) એ આગામી 12 થી 14 માર્ચ, 2026 દરમિયાન દેશભરમાં હવામાનમાં મોટા ફેરફારોની ચેતવણી આપી છે. ગુજરાતમાં એક તરફ હીટવેવનો પ્રકોપ જોવા મળશે, તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં બેવડી અસર:
ગુજરાતના નાગરિકોએ આગામી બે દિવસ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવને લઈને એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને અતિશય ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે, જે સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી શકે છે.
અન્ય રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
દેશના પહાડી અને પૂર્વોત્તર રાજ્યોમાં કુદરતનો મિજાજ અલગ જોવા મળશે. અરુણાચલ પ્રદેશમાં આવતીકાલે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા પહાડી વિસ્તારો ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિશય ગરમી અને ભેજનું પ્રમાણ વધશે.
તંત્રની અપીલ
હવામાન વિભાગે ખેડૂતોને કમોસમી વરસાદથી પાક બચાવવા અને સામાન્ય નાગરિકોને હીટવેવ દરમિયાન બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.
