2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, હાઈકોર્ટે 38 આતંકીઓને ફાંસીની સજા યથાવત રાખી
Live TV
-
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નામદારગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખીને 38 આતંકીઓને ફાંસી અને 11 આતંકીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આતંકવાદ સામેની લડાઈમાં 'ઐતિહાસિક જીત' ગણાવી છે.
ન્યાયતંત્રના ઇતિહાસનો સીમાચિહ્નરૂપ ચુકાદો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આજે હાઈકોર્ટના આ કડક ચુકાદાથી પીડિત પરિવારોને સાચો ન્યાય મળ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ ચુકાદો માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના શાંતિપ્રિય દેશો માટે આતંકવાદ સામે એક મજબૂત સંદેશ છે. ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે." ગિફ્ટ સિટી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ સ્થાન નથી.તપાસ ટીમ અને ન્યાયતંત્રનો આભાર
હર્ષ સંઘવીએ આ કેસની તપાસ કરનાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "તપાસ ટીમે વર્ષો સુધી કોઈ પણ પ્રકારની કાયદાકીય ક્ષતિ કે બાંધછોડ રાખ્યા વિના રાત-દિવસ એક કરીને પુરાવા એકત્રિત કર્યા છે. આ મજબૂત ન્યાય અપાવવા પાછળ તપાસ ટીમની વર્ષોની મહેનત છે, જે ખરેખર બિરદાવવા લાયક છે."પીડિતોને મળશે આર્થિક સહાય
રાજ્ય સરકારની સંવેદનશીલતા વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, હાઈકોર્ટના આદેશ મુજબ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા નિર્દોષોના પરિવારોને રૂ. 10 લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોને રૂ.5 લાખની આર્થિક સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર તાત્કાલિક અસરથી ચૂકવશે. તેમણે ખાતરી આપી હતી કે, આ સરકાર પીડિત પરિવારોની સાથે સદાય પડખે ઊભી છે.
