2030 સુધીમાં "મેલેરિયા મુક્ત ગુજરાત" બનાવવાનો રાજ્ય સરકારનો નીર્ધાર
Live TV
-
વિશ્વ મેલેરિયા દિવસ-૨૫ એપ્રિલ ૨૦૨૨ની થીમ ‘વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનત્તમ સંવાદ હાથ ધરીએ”
રાજયમાં મેલેરિયાના રોગ પ્રત્યે વઘુને વઘુ જાગૃતિ આવે અને “મેલેરિયા મુક્ત ગુજરાત”ના નિર્માણ માટે રાજયનુ આરોગ્ય વિભાગ સંપૂર્ણ સુસજ્જ છે. ભારત સરકારના માર્ગદર્શન અને સહયોગથી વર્ષ ૨૦૩૦ સુધી મેલેરિયા મુક્ત ગુજરાત નિર્માણનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન હાથ ધરાયું છે.
પ્રતિવર્ષ ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે આ વર્ષની થીમ ‘વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીએ” નિયત કરાઈ છે ત્યારે મેલેરિયા અગે જાગૃતિ કેળવી આપણે સૌ સહિયારા પ્રયાસથી મેલેરિયા મુક્ત રાજ્યનું નિર્માણ કરીએ. આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ, અને IPC દ્વારા લાર્વાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાશે, તથા બાંધકામ સાઈટની તપાસ, મજૂરોનું બ્લડ સ્ક્રીનીંગ કરાશે, તેમજ જનજાગૃતિ ફેલાય તે માટે શેરી નાટક, રેલી, માઈકીંગ અને પપેટ શોનું આયોજન કરાશે, સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ જનજાગૃતિનો પ્રયાસ કરાશે. શહેરમાં LED ડિસ્પ્લે પર જાગૃતિ લાવવા વીડિયો પ્રસારણ કરાશે.
રાષ્ટ્રિય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ:
બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્ય સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડી.ડી.ટી.નો ઉપયોગ થવા લાગ્યો. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડી.ડી.ટી.ના છંટકાવના સારા પરિણામ મળવા લાગ્યા જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક રીતે ઘટાડો નોંધાયો તેની સાથે સાથે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થતી જણાઈ હતી. આ પરિણામને લક્ષમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૧૯પપમાં ભારતમાં મેલેરિયા નાબુદી કાર્યક્રમ માટે ભલામણ કરી હતી.
મેલેરિયા સામે જંગ લડવા રાષ્ટ્રિય મેલેરિયા નાબૂદી કાર્યકમ શરુ કરવામાં આવ્યો..
ભારતમાંથી મેલેરિયાને જડમૂળથી નાબૂદ કરવા ભારત દેશની પૂરી જનસંખ્યા અને દેશના દરેક ભાગને સામેલ કરી શકાય તે હેતુથી રાષ્ટ્રિય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને એ દ્વારા માનવ સમૂહમાંથી મેલેરિયા પરોપજીવી શોધી કાઢી સારવારથી આ પરોપજીવીને સદંતર દૂર કરવા જેથી મચ્છરની હાજરી ભલે હોય પણ મેલેરિયા ફરી ફેલાય નહીં તે માટેનો ઘનિષ્ઠ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે રાષ્ટ્રિય મેલેરિયા નાબૂદી કાર્યક્રમને શરૂઆતમાં ઘણી સફળતા મળી હતી પરંતુ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ કેટલાક વિસ્તારોમાં મેલેરિયાનો ફરીથી ઉપદ્રવ થતાં ભારતમાં ૧૯૬૫ માં મેલેરિયાના કેસોની સંખ્યા ઘટીને એક લાખ થઇ હતી તે વધીને ૧૯૭૬માં ૬૪ લાખ સુધી પહોંચી હતી.
મેલેરિયા એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે અને ત્યારબાદ તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તેને મેલેરીયાનો ચેપ લાગે છે અને તંદુરસ્ત વ્યકિતને મેલેરિયા થાય છે. મચ્છર ચોખ્ખા પાણીમાં અને ગંદા પાણીમાં વગેરેમાં પેદા થાય છે. જો આવી જગ્યાઓમાં પાણી ન ભરાયું હોય તો ઉત્પત્તિ થતી નથી. મચ્છર પાણીમાં ઇડાં મૂકે છે. ઇડામાંથી પોરા થાય છે. પોરામાંથી કોશેટો બને છે. કોશેટોમાંથી મચ્છર બહાર આવે છે.
શંકાસ્પદ તમામ મેલેરિયા કેસો જેનું નિદાન ૨૪ કલાકમાં ન થાય તો મેલેરિયાના નિદાન માટે રેપિડ ડાયગ્નોસ્ટીક કિટથી પણ કરી શકાય તેમ છે. માઇક્રોસ્કોપી પરિક્ષણમાં મેલેરિયા માલુમ પડે તો આરોગ્ય કાર્યકરની સલાહ મુજબ મેલેરિયાની સારવાર લેવી. વાયવેક્ષ પ્રકારના મેલેરિયાની સારવાર માટે ઉંમર પ્રમાણે કલોરોક્વિન અને પ્રિમાક્વિન ૧૪ દિવસ સુધી આપવામાં આવે છે જ્યારે ફાલ્સિપેરમ પ્રકારના મેલેરિયા માટે ACT અને પ્રીમાકિવન આપવામાં આવે છે.
