Skip to main content
Settings Settings for Dark

CMના માર્ગદર્શન હેઠળ અલ-નીનોના સંભવિત પડકારો સામે ગુજરાતનું વહીવટી તંત્ર સજ્જ: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી

Live TV

X
  • નર્મદા પાઇપલાઈનથી 3 કિ.મી વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિ.મી કરવાનો મુખ્યમંત્રીનો નિર્ણય... પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ ભરવા આદેશ... અલ-નીનોના પડકાર સામે કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા અને મહેસૂલ વિભાગનું સંકલિત માઇક્રો-પ્લાનિંગ..

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આગામી અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદર સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ અલ-નીનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે.

    મંત્રીએ વધુમાં કહ્યું કે, બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યની મુખ્ય જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરાંત રાજ્યના તમામ પ્રદેશોના જળાશયોમાં સંગ્રહીત પાણીના જથ્થાની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને નર્મદા નેટવર્ક સાથે જોડીને આગોતરું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યા છે.  મુખ્યમંત્રીના આદેશ મુજબ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવા માટેના પાણીના ડેમમાં સત્વરે પાણી ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો હતો. અગાઉ નર્મદા પાઇપલાઇનથી 3 કીલોમીટર સુધીના વિસ્તારમાં આવતા જ તળાવો ભરવામાં આવતા હતા, હવેથી પાઈપલાઈનથી 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. જે મુજબ સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના આશરે 300થી વધુ તળાવો ભરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે.    

    કૃષિ ક્ષેત્રની સજ્જતા અંગે મંત્રીએ કહ્યું કે, ખરીફ-2026 માટે રાજ્યમાં બિયારણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કૃષિ વિભાગે અલ-નીનોની સંભવિત પરિસ્થિતિમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માટે 'આકસ્મિક પાક આયોજન' તૈયાર કર્યા છે. જેમાં, વૈજ્ઞાનિક સલાહ અને વૈકલ્પિક ટૂંકા ગાળાના તથા ઓછા પાણીએ પાકતા પાકોની વિગતો ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને AI ડ્રિવન 'કૃષિ પ્રગતિ'ના માધ્યમથી ૫૦ લાખથી વધુ ખેડૂતોને સીધા મોબાઈલ પર લાઈવ હવામાન અને કૃષિ સલાહના SMS મોકલવામાં આવી રહ્યા છે.

    જગતના તાતની સાથે રાજ્યના પશુધનની સુરક્ષા પણ સરકારની અગ્રતા છે. મંત્રીએ ઉમેર્યું કે, સંભવિત અલ-નીનોની સ્થિતિમાં પશુઓને ઘાસચારાની તંગી ન વર્તાય તે માટે વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. હાલમાં રાજ્ય સરકાર પાસે ૨ વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો બફર સ્ટોક ઉપલબ્ધ છે. 

    મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગને તમામ જિલ્લા વહીવટી તંત્રો અને કલેક્ટરઓ સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર ૨૪x૭ નજર રાખવા અને સંપૂર્ણ સતર્ક રહેવા જણાવ્યું છે. 

    વર્ષ 2000થી 2026 દરમિયાન રાજ્યમાં કુલ 8 ખરીફ અલ-નીનો વર્ષ નોંધાયા છે. ભૂતકાળના ડેટા દર્શાવે છે કે દરેક અલ-નીનો વર્ષ નબળું નથી હોતું. વર્ષ 2006 અને 2023માં અત્યંત તીવ્ર અલ-નીનો હોવા છતાં ગુજરાતમાં ૧૧૭% વરસાદ નોંધાયો હતો. જેથી, ખેડૂતોએ કે પ્રજાએ ચિંતા કરવાની કે ભ્રામક અફવાઓથી ડરવાની જરૂર નથી. નાગરિકોએ સરકારના નિર્દેશોનું પાલન કરવા મંત્રીએ જણાવ્યું હતું.

    મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર, વિવિધ વિભાગો અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પરસ્પર સંકલન સાથે સતત કાર્યરત છે. રાજ્ય સરકારની સજ્જતા અડગ છે અને દરેક પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે.

    આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, નર્મદા નિગમના એમ.ડી. મુકેશ પૂરી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી.મીણા, પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસૈન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply