GSIRF 2023-24 હેઠળ ગુજરાતની ટોપ 16 યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
Live TV
-
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-2020’ યોજાઈ હતી.
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ભારતે વિકાશીલ દેશમાંથી વિકસિત દેશોની હરોળમાં સ્થાન મેળવવા માટે વૈશ્વિક કક્ષાની શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી પડશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૧મી સદીના ભારતનો, એક નવા ભારતનો પાયો તૈયાર કરવાની છે. 21મી સદીના ભારતને, આપણાં યુવાનોને જે રીતનું શિક્ષણ આપવું જોઈએ, જે પ્રકારના સંસ્કારની સાથે કૌશલ્ય પૂરાં પાડવા જોઈએ તે બાબતો ઉપર આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
મંત્રીએ કહ્યું હતું કે, યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજો નવી શિક્ષણ નીતિ મુજબ પોતાની ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની નીતિ-અભ્યાસક્રમ નક્કી કરશે તો ઈચ્છિત પરિણામ મેળવી શકાશે. નવી નીતિમાં માત્ર ઉચ્ય શિક્ષણ નહી પણ પ્રાથમિક શિક્ષણને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
આ નીતિના અમલમાં પડતી મુશ્કેલીઓ, પડકારો અને સમાધાનો માટે મુદ્દાસર પ્રયાસો કરવા પડશે છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્ય પાંચ પાયા પર રચાયેલી છે જેમાં એક્સેસ-બધાને તક, ઇક્વિટી-સમાનતા, એકાઉન્ટેબીલિટી-જવાબદેહિતા, એફોર્ડેબીલીટી-બધાને પોસાય તેવું શિક્ષણ તેમજ એકસેલન્સ-ઉત્કૃષ્ટતાનો સમાવેશ થાય છે.આ નીતિમાં આપણને જે પહેલું લક્ષ્ય આપવામાં આવ્યું છે તે છે એક્સેસ. વધુમાં વધુ લોકોને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક આપવી. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કોલેજો અને યુનિવર્સિટીઝમાં એનરોલ્મેન્ટ દર વધારવા વર્ષ : 2035 સુધી આપણો GER 50 ટકા સુધી લઇ જવાનો છે, તે આ નીતીનું પહેલું લક્ષ્ય છે.અત્યારે આપણા દેશનો GER ૨૯ ટકા છે. આપણા રાજ્ય ગુજરાતનો GER પણ છે. હવે આપણે તેને 50 % સુધી લઇ જવાનો છે. એટલે કે દસ વર્ષમાં GER ડબલ કરવાનો છે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.
મંત્રીએ કુલપતિઓને આહ્વાન કરતા કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં યોજાતા પદવીદાન સમારંભોમાં આસપાસની શાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા જોઈએ. જેથી તે શાળાનું નાનું બાળક મોટું સપનું જોઈ શકે . આપણો પદવીદાન તે બાળક માટે પ્રેરણાદાયક બની શકે.
મંત્રીએ ઉપસ્થિત તમામ વાઇસ ચાન્સેલર્સને મહત્વની કામગીરી સોંપતા કહ્યું કે, યુનિવર્સિટી પોતાનો ગોલ નક્કી કરે અને વર્ષ દરમિયાન તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે. આવતી મીટીંગમાં આવો ત્યારે તમારી યુનિવર્સિટીનો હાલનો GER અને તેને વધારવા માટે તમે આવતા પાંચ વર્ષમાં શું-શું કરવાના છો તેની નક્કર વિગતો- પરફેક્ટ પ્લાનિંગ લઈને આવશો તે રોડમેપ તૈયાર કરો.
મંત્રીએ કહ્યું હતું કે, હવે નવી નીતિમાં તો મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટની વાત છે. નવી નીતિમાં તો મલ્ટીડીસીપ્લીનરી શિક્ષણની વાત છે. નવી નીતિમાં તો ભારતીય જ્ઞાન પરંપરાની વાત છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે AI (Artificial Techonolgy) જેવી ટેક્નોલોજી, જે ગઈકાલ સુધી વિજ્ઞાન સાહિત્યમાં હતી, તે હવે આપણા જીવનનો એક ભાગ બની રહી છે. રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજી આપણા દરવાજા પર ખટખટાવી રહી છે. તેથી, આપણે જૂના વિચારોમાંથી બહાર નીકળીને નવા ક્ષેત્રોમાં વિચારવું પડશે.
મંત્રીએ કહ્યું હતું કે, દેશનું ટેલેન્ટ આજે વિદેશોમાં જઈને તેની આગવી ઓળખ ઉભી કરી છે. વૈશ્વિક કક્ષાની આઈ.ટી. કંપનીઓ ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો છે. ભારતનું આ ટેલેન્ટ ભારતના વિકાસમાં કાર્યરત રહીને દેશને વિકસિત દેશોની હરોળમાં સ્થાન અપાવે તે માટે આપણે સૌએ વિશેષ પ્રયાસો કરવા પડશે તો જ નવી શિક્ષણ નીતિનો હેતુ સર થશે. હાલમાં દર વર્ષે ભારતના 8 લાખ યુવાનો વિદેશ ભણવા માટે જાય છે અને બહારથી માત્ર 45 હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે ભારતમાં ભણવા આવે છે. આ સ્થિતિને જોતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિશ્વની ટોપ 100 રેન્ક ધરાવતી યુનિવર્સિટીઓને તેમના કેમ્પસ ભારતમાં સ્થાપવા માટે આમંત્રિત કરવાની વાત કરી છે. જે સ્વાગત યોગ્ય છે. આ નીતિ ભારતના યુવાનને 21મી સદીના જરૂરી કૌશલ્યો સાથે અર્જુન જેવો ઓજસ્વી, નચિકેતા જેવો નીડર અને એકલવ્ય જેવો જ્ઞાન પિપાસુ બનાવવાનું લક્ષ્ય રાખે છે. આ લક્ષ્ય જરાય સહેલું નથી તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
