PM સ્વનિધિ લાભાર્થી ધનેશ કુમાર ગુપ્તા માટે 'ભારત પર્વ' બન્યો યાદગાર, રબડી-કેસર મિલ્કે જીત્યા દિલ
Live TV
-
PM સ્વનિધિ લાભાર્થી ધનેશ કુમાર ગુપ્તા માટે 'ભારત પર્વ' બન્યો યાદગાર, રબડી-કેસર મિલ્કે જીત્યા દિલ
ઉત્તર પ્રદેશના રહેવાસી અને PM સ્વનિધિ યોજનાના લાભાર્થી ધનેશ કુમાર ગુપ્તાએ તાજેતરમાં એકતાનગર ખાતે આયોજિત 'ભારત પર્વ'માં ભાગ લઈને એક યાદગાર અનુભવ મેળવ્યો છે. પરંપરાગત વાનગીઓનો સ્વાદ લોકો સુધી પહોંચાડતા ઇટાવાના ધનેશ કુમારને ગુજરાત સરકારે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં સ્ટોલ લગાવવા માટે ખાસ આમંત્રિત કર્યા હતા.
લોકપ્રિયતા અને આવક:
ધનેશ કુમારે 'ભારત પર્વ'માં મુલાકાતીઓને પોતાની હાથની બનાવેલી સ્વાદિષ્ટ રબડી અને કેસર મિલ્કનો સ્વાદ ચખાડ્યો હતો. ગુણવત્તા અને સ્વાદના કારણે તેમની વાનગીઓ જોતજોતામાં લોકપ્રિય બની અને તેમનો સ્ટૉલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવાથી તેમને સારી આવક પણ થઇ છે. ધનેશ કુમારે 'ભારત પર્વ' દરમિયાન ₹60 હજાર જેટલી આવક કરી છે, જે દર્શાવે છે કે શેરી ફેરિયાઓ અને નાના દુકાનદારોને આર્થિક રીતે સશક્ત કરવાનો PM સ્વનિધિનો ઉદ્દેશ સકારાત્મક રીતે સાકાર થઈ રહ્યો છે.
ગુજરાતમાં તેમના આ પ્રથમ અનુભવ વિશે ધનેશ કુમારે ઉત્સાહપૂર્વક જણાવ્યું, “ભારત પર્વમાં સામેલ થવું એ મારા જીવનના સૌથી યાદગાર અનુભવો પૈકી એક છે. મારા સ્ટૉલની મુલાકાત લેનારા લોકોમાં વિનમ્રતા જોવા મળી અને તેમણે અમારી વાનગીઓના ખૂબ વખાણ કર્યા. મને અહીં આવવાનું આમંત્રણ આપવા બદલ હું ગુજરાત સરકારનો ખૂબ આભારી છું. આશા છે કે હું આવતા વર્ષે અહીં ફરી આવીશ અને ગુજરાતની સ્વાદપ્રેમી જનતાને નવી વાનગીઓનો સ્વાદ ચખાડીશ.”
'ભારત પર્વ'માં સામેલ થવાથી ધનેશ કુમારના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેમને હવે પોતાના વ્યવસાયને વધુ આગળ લઈ જવાની પ્રેરણા મળી છે.
સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે 'ભારત પર્વ' જેવા કાર્યક્રમો એક મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે. આ પ્લેટફોર્મ પર ભારતની સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વ્યંજનોની ઝાંખી પણ જોવા મળે છે. ધનેશ કુમાર ગુપ્તા માટે આ કાર્યક્રમ માત્ર એક વ્યવસાયિક તક નહોતી, પણ એક એવો યાદગાર અનુભવ રહ્યો જે તેમની આર્થિક સશક્તિકરણની યાત્રાને વધુ મજબૂત અને ગૌરવમય બનાવે છે.
