ઇબોલાનો ખતરો: કોંગો અને યુગાન્ડાથી આવતા મુસાફરો માટે DGCAની નવી ગાઇડલાઇન
Live TV
-
ઇબોલાનો ખતરો: કોંગો અને યુગાન્ડાથી આવતા મુસાફરો માટે DGCAની નવી ગાઇડલાઇન
આફ્રિકન દેશો કોંગો અને યુગાન્ડામાં ઇબોલા વાયરસના વધતા કેસોને જોતા ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આ દેશોમાંથી આવતા મુસાફરો અને તમામ એરલાઇન્સ કંપનીઓ માટે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) એટલે કે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દેશમાં ઇબોલાના સંક્રમણને રોકવા માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
મુસાફરો માટે ફોર્મ ભરવું ફરજિયાત
DGCA દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, કોંગો અને યુગાન્ડાથી ભારત આવતી ફ્લાઇટ્સના મુસાફરોએ પ્લેનમાંથી ઉતરતા પહેલા એક ખાસ 'મુસાફરોની માહિતી ફોર્મ' (Passenger Information Form) ભરવાનું રહેશે. આ ફોર્મ દ્વારા મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે, જેથી કોઈપણ શંકાસ્પદ કેસને વહેલી તકે ટ્રેક કરી શકાય.
લક્ષણો દેખાય તો તુરંત જાણ કરવી પડશે
જો કોઈ મુસાફરને મુસાફરી (ફ્લાઇટ) દરમિયાન અચાનક તાવ આવવો, શરીરમાં ભારે નબળાઈ અનુભવાવી, ઉલટી અથવા ઝાડા થવા જેવા લક્ષણોનો અનુભવ થાય, તો તેમણે તાત્કાલિક ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ અને ભારતમાં ઉતરતાની સાથે જ એરપોર્ટના આરોગ્ય અધિકારીઓને જાણ કરવાની રહેશે. લક્ષણો છુપાવવા ભારે પડી શકે છે, તેથી મુસાફરોની સુરક્ષા માટે એરપોર્ટ પર તૈનાત મેડિકલ ટીમની તપાસમાં સહયોગ આપવો અનિવાર્ય છે.
એરલાઇન્સ કંપનીઓને ખાસ સૂચના
DGCA એ મુસાફરોની સાથે-સાથે એરલાઇન્સ માટે પણ કડક આદેશો જાહેર કર્યા છે. તમામ એરલાઇન્સને ફ્લાઇટમાં પૂરતી માત્રામાં જરૂરી તબીબી સંસાધનો રાખવા જણાવાયું છે, જેમાં માસ્ક, PPE કીટ, ગ્લોવ્સ અને સેનિટાઇઝરનો પૂરતો સ્ટોક રાખવા જેવી બાબતો સામેલ છે.
સરકાર અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાઈ રહેલા આ વાયરસને ભારતમાં પ્રવેશતો અટકાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી ચૂક્યા છે અને મુસાફરોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
