કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ ધ્રાંગધ્રામાં કર્યું નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ
Live TV
-
કોરોના મહામારીના કપરા કાળમા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સ્થાનિકોને આપાતકાલીન પરિસ્થતિઓમાં સારવાર માટે વાહન વ્યવસ્થાની પડતી તકલીફોથી હવે છુટકારો મળ્યો છે. આજે 12 મી સપ્ટેમ્બરના રોજ ધ્રાંગધ્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા દ્વારા નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સને પ્રાથમિક સારવારની તમામ સુવિધાઓ સાથે સુસજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં લોકોને પડેલી ઓક્સિજનની અછતને ધ્યાને લઇ આ એમ્બ્યુલન્સમાં ઓક્સીજનની પણ સુવિધા આપવામાં આવી છે, જેથી કોઇપણ દદીઁને હવે ઓક્સીજનની અછતના કારણે જીવ ગુમાવવાનો વારો નહીં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે નિયુક્તિ પામેલા સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ પોતાની ગ્રાન્ટમાંથી રુપિયા 19 લાખના ખર્ચે આ એમ્બ્યુલન્સને ધ્રાંગધ્રાના નાગરિકોની સેવામાં કાર્યરત કરી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાની હાજરીમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ધ્રાંગધ્રા વેલનાથ વન ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં રુદ્રાક્ષ, ગળો, મહુડો જેવા આયુર્વેદિક - ઔષધિય છોડ રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સાથે કાર્યકરો, સ્વયં સેવકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.