ડાંગ જિલ્લામાં 'સ્ટોપ ડાયરીયા કેમ્પેઈન' નો પ્રારંભ: ઝાડાથી થતા બાળ મૃત્યુ ઘટાડવા ખાસ ઝુંબેશ
Live TV
-
ડાંગ જિલ્લામાં 'સ્ટોપ ડાયરીયા કેમ્પેઈન' નો પ્રારંભ: ઝાડાથી થતા બાળ મૃત્યુ ઘટાડવા ખાસ ઝુંબેશ
ડાંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ, આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ડાંગ જિલ્લામાં બાળકોમાં થતા ઝાડા નિયંત્રણ માટે 'સ્ટોપ ડાયરીયા કેમ્પેઈન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ઝાડાને કારણે થતા બાળ મૃત્યુદરને નોંધપાત્ર રીતે ઘટાડીને શૂન્ય સુધી લઈ જવાનો છે. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષથી નાના બાળકોના કુલ મૃત્યુ પૈકી 6% મૃત્યુ ઝાડાને કારણે થાય છે, જે ચિંતાજનક બાબત છે. ઝાડાની સમયસર અને પૂરતી સારવાર ન મળે તો તે જીવલેણ નીવડી શકે છે.
આ કેમ્પેઈન અંતર્ગત, ડાંગ જિલ્લાના 311 ગામોમાં પાંચ વર્ષ સુધીના અંદાજિત 28,000 થી વધુ બાળકોને આવરી લેવામાં આવશે. આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઈને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) પેકેટનું વિતરણ કરવામાં આવશે. ઝાડાની માંદગીવાળા બાળકોને ORS અને ઝીંકની ગોળીઓનું વિતરણ કરી સતત 14 દિવસ સુધી સારવાર આપવા તથા જરૂર પડ્યે રિફર કરવા માટે પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફને ખાસ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
વધુમાં, તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ORS કોર્નર સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં ORS અને ઝીંક ગોળીઓ સરળતાથી ઉપલબ્ધ છે. સામુદાયિક સ્તરે, સ્વચ્છ પાણીનો ઉપયોગ, સાફ-સફાઈ, વ્યક્તિગત સ્વચ્છતા અને બાળકોને જમતા કે જમાડતા પહેલા સાબુથી હાથ ધોવા જેવી આરોગ્યપ્રદ ટેવો અંગે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા જન-ચેતના જગાવવામાં આવી રહી છે. આશા વર્કરો દ્વારા આંગણવાડીમાં આવતી માતાઓને ORS બનાવવાની રીત અને ઝાડા વિશે જનજાગૃતિ પણ પૂરી પાડવામાં આવે છે.
