Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠાના દાંતા ખાતેથી સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “રાષ્ટ્રીય સીક્લ સેલ એનિમિયા નાબૂદી મિશન- 2047” નો મધ્યપ્રદેશના સહડોલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કરી સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047 નો શુભારંભ કરાવ્યો હતો.

    આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે સામાન્ય કાર્યકર્તા હતા એ સમયે દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન સિકલ સેલ એનિમિયા નામનો રોગ તેમના ધ્યાને આવ્યો હતો. આ વંશ પરંપરાગત રોગના નિર્મૂલન માટે આજે પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશથી સિકલ સેલ એનિમિયા નિર્મૂલન કાર્યક્રમની શરૂઆત કરાવી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની નવી ઉંચાઇએ લઈ જઈ રહ્યા છે ત્યારે ટી.બી., મેલેરિયા જેવા રોગોને ભારતમાંથી દૂર કરવાનો પ્રધાનમંત્રીએ નિર્ધાર કર્યો છે.

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, આરોગ્ય અને શિક્ષણની જવાબદારી સરકારની સાથે સાથે સમાજની પણ છે ત્યારે માતા મૃત્યુદર, નવજાત શિશુ મૃત્યુદર અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે આપણે સંકલ્પબદ્ધ બનીએ. મારું ગામ કુપોષણ મુક્ત ગામ બને તે દિશામાં વિશેષ પ્રયત્નો કરવા અનુરોધ કરતા કહ્યું હતું કે, વર્ષ-2047માં ભારત 100 વર્ષ પુરા કરે તે સમયે ભારતનો યુવાન સ્વસ્થ, તંદુરસ્ત અને કંઈપણ કરવાની તમન્નાવાળો સશક્ત બને તે માટે અત્યારથી  તેના આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. ટૂંક સમયમાં રાજ્યના તમામ ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MBBS ડોક્ટર વિનાની બાકી ન રહી જાય તેવું આયોજન કરાયું છે. એમ. ડી., ગાયનેક જેવા સ્પેસ્યાલીસ્ટ વર્ગ-1ના ડોક્ટરોની કમી પુરી કરવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે. સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારતની કલ્પનાને સાકાર કરવા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આદિવાસી ભાઈઓ- બહેનોને સિકલ સેલ એનિમિયાથી મુક્તિ અપાવવા માટે સરકારે  મિશન મોડમાં કામગીરી શરૂ કરી છે.

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આરોગ્ય અને શિક્ષણની વિશેષ ચિંતા કરે છે. રાજપૂત સમાજને દીકરીઓને ભણાવવાની અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, આ સમાજે આપેલા ત્યાગ અને બલિદાનને ભૂલી શકાય તેમ નથી પરંતુ સમયની સાથે દરેક સમાજે પરિવર્તનને સ્વીકારી તે પ્રમાણે આગળ વધવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, 19 મી સદી યુ. કે. ની સદી હતી. 20 મી સદી અમેરિકાની સદી હતી. જયારે 21 મી સદી ભારતની સદી છે ત્યારે આપણે દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યા સિવાય તેમને આગળ વધવાનો અવકાશ આપીએ. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે મુક્ત આકાશ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સમાજને અપીલ કરી હતી.

    આ પ્રસંગે રાજ્યસભા સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુકાન સંભાળ્યું ત્યારથી દેશમાં બદલાવ આવ્યો છે. ગરીબોની ચિંતા આપણા નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એટલે આજથી સિકલ સેલ એનિમિયા કાર્યક્રમનો પ્રારંભ કરાવી રહ્યા છે. તથા આ પ્રસંગમાં ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ ઉપસ્થિત રહીને  જણાવ્યું હતું કે, સિકલ સેલ નિર્મૂલન માટે આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. 

    આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવિણભાઈ માળી, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, અગ્રણીઓ સર્વ જયરાજસિંહ પરમાર, એલ. કે. બારડ, પ્રવિણસિંહ રાણા, અમરતજી ઠાકોર, સંયુક્ત આરોગ્ય નિયામકશ્રી ડૉ. જે. આર. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પટેલ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, સિકલ સેલ એનિમિયાના લાભાર્થીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply