Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ છેલ્લા નવ વર્ષમાં ગુજરાતમાં 12.75 કરોડથી વધુ બાળકોના આરોગ્યની થઈ તપાસ

Live TV

X
  • વર્ષ 2022-23માં ગુજરાતના 1 કરોડ 35 લાખથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે

    ગુજરાત સરકારે રાજ્યના બાળકોના આરોગ્યની હંમેશાં ચિંતા કરી છે, કારણકે આ બાળકો જ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વર્ષ 1998માં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પરિણામે વર્ષ 2014થી ગુજરાતના શાળા આરોગ્ય કાર્યક્રમને ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SH–RBSK) તરીકે ઓળખવામાં આવે છે. 

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા દર વર્ષે રાજ્યના કરોડો બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. છેલ્લા એક જ વર્ષમાં એટલે કે વર્ષ 2022-23માં આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 1 કરોડ 35 લાખ 19 હજાર 381 બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી છે.

    આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં વર્ષ 2014થી અત્યારસુધીમાં એટલે કે છેલ્લા 9 વર્ષોમાં સમગ્ર રાજ્યના 12.75  કરોડથી વધુ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાંથી 1,39,368 બાળકોને હૃદય સંબંધિત સર્જરી અને સારવાર, 17,556 બાળકોને કિડની સંબંધિત સારવાર, 10,860 બાળકોને કેન્સરની સારવાર, 177 બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ, 26 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ, 198 બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, 2738 બાળકોને કોક્લીયર ઈમપ્લાન્ટ સર્જરી, 6987 બાળકોને ક્લબ ફૂટ, 6064 બાળકોને ક્લેફ્ટ લિપ – પેલેટની સારવાર પૂરી પાડવામાં આવી છે.  

    વર્ષ 2022-23ની વાત જો કરવામાં આવે તો 17,544 બાળકોને હૃદય સંબંધિત સારવાર, 724 બાળકોને કિડની સંબંધિત, 337 બાળકોને કેન્સરની સારવાર, 13 બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ, 1 બાળકને લીવર ટ્રાન્સપ્લાન્ટ, 10 બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, 297 બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી, 952 બાળકોને ક્લબ ફૂટ, 315 બાળકોને ક્લેફ્ટ લિપ – પેલેટની સારવાર પૂરી પાડવામાં આવી છે.  

    શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયની સર્જરીની સારવાર લેનાર શાહનવાઝ નાસિરખાન પઠાનના માતા શાહજહાન પઠાન જણાવે છે કે, મારા પાંચ વર્ષના દીકરાને ન્યુમોનિયા થયા બાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની તપાસ કરાવતા તેના હૃદયમાં કાણું હોવાની જાણ થઈ હતી. તમામ રિપોર્ટ કરાવ્યા બાદ તરત દીકરાને યુ.એન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી હતી. આજે દીકરાની તબિયત સ્વસ્થ છે અને સર્જરી બાદ પણ કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો નથી. આ માટે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ. આજના સમયમાં જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ રહી છે ત્યારે સરકારની આ સહાયથી પરિવાર પર આર્થિક બોજો નથી પડી રહ્યો.  

    ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના જન્મથી 18 વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે માટે બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર તેમજ રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓ રાજય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિર્ધારિત પ્લાન મુજબ નવજાત શિશુથી માંડીને 5 વર્ષના આંગણવાડીના બાળકો, ધો.1 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના તમામ બાળકોને RBSK મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply