રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0 લોન્ચ, બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે નવી માર્ગદર્શિકા જાહેર
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, રવિવારે ‘જાહેર આરોગ્ય સેવા વિતરણમાં શ્રેષ્ઠ પ્રથાઓ’ પર આયોજિત રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આરબીએસકે) 2.0 ની નવી અને સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી. આ પહેલ દેશમાં બાળકોના સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અગાઉથી અમલી ‘4-ડી મોડેલ’ને વધુ મજબૂત બનાવવાનો છે. આ મોડેલ હેઠળ ચાર મુખ્ય શ્રેણીઓ - જન્મજાત ખામીઓ, રોગો, ઉણપ, કુપોષણ અને વિકાસાત્મક વિલંબ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
નવી માર્ગદર્શિકામાં આધુનિક સમયના સ્વાસ્થ્ય પડકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બિન-ચેપી રોગો, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને વર્તણૂક સંબંધી વિકૃતિઓ મુખ્ય છે. આ રીતે આ કાર્યક્રમ હવે પરંપરાગત સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે બદલાતી જીવનશૈલી સાથે જોડાયેલા પડકારોનું પણ નિરાકરણ લાવશે.
સુધારેલા માળખામાં બાળકો માટે નિવારક, પ્રોત્સાહક અને ઉપચારાત્મક સેવાઓની એક વ્યાપક શ્રેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને આવરી લે છે અને જીવનચક્ર-આધારિત અભિગમને વધુ અસરકારક બનાવે છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ માર્ગદર્શિકાના સફળ અમલીકરણ માટે આરોગ્ય મંત્રાલયની સાથે શિક્ષણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય મળીને કાર્ય કરશે. આ સાથે જ, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને સ્ક્રિનિંગ અને જાગૃતિના મુખ્ય કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે.
