અમેરિકામાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનર દરમિયાન ગોળીબાર; રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત રીતે બહાર નીકળ્યા
Live TV
-
વોશિંગ્ટન હિલ્ટન હોટલ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અનેક વરિષ્ઠ અમેરિકી અધિકારીઓની હાજરીમાં આયોજિત વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબારની ઘટના સામે આવી છે. ફાયરિંગનો અવાજ આવતાની સાથે જ શનિવારે રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત વરિષ્ઠ અમેરિકી અધિકારીઓને વાર્ષિક વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનરમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈના ઘાયલ હોવાના તાત્કાલિક સમાચાર નથી. અમેરિકી રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
ઘટના બાદ, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક અપડેટ શેર કર્યું, જેમાં તેમણે પુષ્ટિ કરી કે સ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા એજન્સીઓની ત્વરિત પ્રતિક્રિયાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે શંકાસ્પદને પકડી લેવામાં આવ્યો છે અને કહ્યું કે કાર્યક્રમ ચાલુ રાખવા અંગેનો કોઈ પણ નિર્ણય કાયદા અમલીકરણ સત્તાવાળાઓ લેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ડીસીમાં એક શાનદાર સાંજ રહી. સિક્રેટ સર્વિસ અને લો એન્ફોર્સમેન્ટે ખૂબ જ સારું કામ કર્યું. તેઓએ ઝડપ અને બહાદુરીથી કામ કર્યું. શૂટરને પકડી લેવામાં આવ્યો છે, અને મેં સલાહ આપી છે કે આપણે શો ચાલુ રાખીએ, પરંતુ સંપૂર્ણપણે લો એન્ફોર્સમેન્ટ જ આના પર નિર્ણય લેશે. તેઓ ટૂંક સમયમાં નિર્ણય લેશે."
એક અન્ય પોસ્ટમાં અમેરિકી પ્રમુખે કહ્યું, "લો એન્ફોર્સમેન્ટે અપીલ કરી છે કે આપણે પ્રોટોકોલ મુજબ સ્થળ છોડી દઈએ, જે અમે તરત જ કરી રહ્યા છીએ. હું 30 મિનિટમાં વ્હાઇટ હાઉસ પ્રેસ બ્રીફિંગ રૂમમાંથી પ્રેસ કોન્ફરન્સ કરીશ. ફર્સ્ટ લેડી, વાઈસ પ્રેસિડેન્ટ અને કેબિનેટના તમામ સભ્યો એકદમ ઠીક છે.
ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બીજી તરફ સિક્રેટ સર્વિસ એજન્ટો અને અન્ય સુરક્ષાકર્મીઓ બેન્ક્વેટ હોલમાં દોડી આવ્યા હતા. આ ઉપરાંત, મહેમાનો ટેબલ નીચે છુપાઈ ગયા હતા, જ્યારે સુરક્ષા અધિકારીઓ લોકોને નીચે નમવા માટે કહી રહ્યા હતા.
ઇવેન્ટમાં હાજર અનેક લોકોએ કહ્યું કે તેઓએ પાંચથી આઠ ગોળીઓ ચાલવાનો અવાજ સાંભળ્યો હતો. ટ્રમ્પના ભાષણની રાહ જોઈ રહેલા સેંકડો પત્રકારો, જાણીતી હસ્તીઓ અને નેતાઓથી ભરેલા હોલને તરત જ ખાલી કરાવવામાં આવ્યો હતો. સ્થળ પર નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા અને હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ફરી અંદર જવા દેવામાં આવ્યા ન હતા. આસપાસના વિસ્તારમાં સુરક્ષા ખૂબ જ કડક કરી દેવામાં આવી હતી.
અધિકારીઓએ હજુ સુધી ઘટનાના અસલી કારણની પુષ્ટિ કરી નથી. એક લો એન્ફોર્સમેન્ટ અધિકારીએ જણાવ્યું કે એક શૂટર સામેલ હતો, જોકે વધુ માહિતી તરત મળી શકી નથી. હેડ ટેબલ પર ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને અનેક કેબિનેટ સભ્યો બેઠા હતા. તમામ ખાસ અધિકારીઓ સુરક્ષિત હોવાના સમાચાર છે.
