ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલતા , ભારતનો સપષ્ટ પ્રતિસાદ
Live TV
-
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ચીને ફરી એકવાર એક નાપાક કૃત્ય કર્યું છે. ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલી નાખ્યા છે, જેનો ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે કહ્યું કે નવું નામ આપવાથી એ હકીકત બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ શેર કરી. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના અહેવાલો પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે જોયું છે કે ચીને ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના તેના નિરર્થક અને વાહિયાત પ્રયાસો ચાલુ રાખ્યા છે. અમારા સૈદ્ધાંતિક વલણને ધ્યાનમાં રાખીને, અમે આવા પ્રયાસોને સંપૂર્ણપણે નકારીએ છીએ. નવા નામ આપવાથી એ હકીકત બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે."
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણાવ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે ત્યારે ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાનો નિર્ણય લીધો છે. ચીન ભારતના અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવે છે.આ પહેલા પણ ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી વખત સ્થળોના નામ બદલ્યા છે, જેના પર ભારતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે.