ટેક્સાસમાં પૂરને લીધે 15 બાળકો સહિત 43ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
Live TV
-
ટેક્સાસમાં ડેલુપ નદીનું પાણીનું સ્તર 26 ફૂટથી વધુ થઈ ગયું હતું, જેના કારણે ઘરો અને સમર કેમ્પમાં રહેતા લોકોને સૌથી વધુ અસર થઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ US સરકાર અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમેરિકાના ટેક્સાસમાં અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા છે અને 27 બાળકો ગુમ થયા છે. મૃતકોમાં 15 બાળકોનો સમાવેશ થાય છે. શુક્રવારે વહેલી સવારે એક કલાકમાં ગ્વાડેલુપ નદીનું પાણીનું સ્તર 26 ફૂટથી વધુ થઈ ગયું હતું, જેના કારણે ઘરો અને સમર કેમ્પમાં રહેતા લોકોને સૌથી વધુ અસર થઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં લખ્યું કે, "ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં જાનહાનિ, ખાસ કરીને બાળકોના મૃત્યુ વિશે જાણીને ખૂબ દુઃખ થયું. US સરકાર અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના. "
હજુ ભારે વરસાદની અપેક્ષા વ્યકત કરાઈ
ટેક્સાસ હિલ કન્ટ્રીમાં ગ્વાડેલુપ નદીમાં ભારે વાવાઝોડાને કારણે પાણીની દિવાલ ધસી આવ્યા બાદ બચાવ ટીમો ઘણા ગુમ થયેલા લોકોને શોધી રહી હતી, જેમાં સમર કેમ્પની છોકરીઓનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે વહેલી સવારે માત્ર 45 મિનિટમાં પૂરના પાણી 26 ફૂટ (લગભગ 8 મીટર) વધી ગયા, જેના કારણે ઘરો અને કાર તણાઈ ગઈ. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ભય હજુ ટળ્યો નથી, કારણ કે વધુ ભારે વરસાદની અપેક્ષા છે. મધ્ય ટેક્સાસના કેટલાક ભાગોમાં હજુ પણ પૂરની ચેતવણીઓ સક્રિય છે. શહેરના મેનેજર ડાલ્ટન રાઈસે કહ્યું હતું કે, છોકરીઓ માટેના ખ્રિસ્તી સમર કેમ્પ, કેમ્પ મિસ્ટિકમાંથી 27 લોકો ગુમ થયા છે. ઘણા લોકો વિવિધ વિસ્તારોમાં ગુમ થયા છે.બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધવા અને પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે હેલિકોપ્ટર, બોટ અને ડ્રોનનો ઉપયોગ કરી રહી છે.
